જસદણ પાલિકાના વોર્ડ 7 વિસ્તારમાં સ્મશાન રોડથી આગળ પુલ પાસે ઘણા વર્ષોથી રહેતા 3 ગરીબ પરિવારે તેમના રહેણાંક પર ડિમોલિશન ન કરવા માટે પાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર આપ્યું છે.
હાલમાં આ વિસ્તારમાં જસદણ નગરપાલિકા દ્વારા રીવરફ્રન્ટ બનાવવાની કામગીરી ચાલી રહી છે, જેની બાજુમાં જ આ ત્રણ પરિવારના રહેણાંક મકાનો આવેલા છે.
પરિવારોનો દાવો છે કે તેમના મકાનો કોઈપણ રીતે નડતરરૂપ નથી. તેમ છતાં, નગરપાલિકા તરફથી તેમને નોટિસ અપાઇ છે કે તેઓ દિન-4 માં સ્વેચ્છાએ દબાણ દૂર કરે, અન્યથા પાલિકા દ્વારા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાશે.
આવેદનપત્રમાં જણાવ્યા મુજબ, અરજદારો મજૂરી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે અને લાંબા સમયથી પરિવાર સાથે આ જગ્યાએ રહે છે. તેમણે ચીફ ઓફિસરને નમ્ર વિનંતી કરી છે કે માનવતાના ધોરણે તેમના રહેણાંક મકાનો પર ડિમોલેશનની કાર્યવાહી ન કરવામાં આવે. પરિવારોએ ભારપૂર્વક જણાવ્યું છે કે જો ડિમોલેશન કરવામાં આવશે, તો સહ પરિવારે હિજરત કરવાની ફરજ પડશે. નગરપાલિકા આ આવેદનપત્ર પર શું નિર્ણય લે છે, તેના પર ત્રણ ગરીબ પરિવારોનું ભાવિ નિર્ભર છે.