શહેરમાં રહેતી યુવતીને પ્રેમજાળમાં ફસાવી પ્રેમીએ અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું અને શરીરસંબંધ બાંધવાના વીડિયો ઉતારી તે અન્ય લોકોને બતાવી યુવતીને બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો, પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવાની કવાયત શરૂ કરી હતી.
ઉપલાકાંઠા વિસ્તારમાં રહેતી 27 વર્ષની યુવતીએ બી.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે શૈલેષ ઉર્ફે રીષી સોંદરવાનું નામ આપ્યું હતું. યુવતીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, 2024માં શૈલેષ સોશિયલ મીડિયાથી સંપર્કમાં આવ્યા બાદ બંને વચ્ચે મોબાઇલમાં વાતચીત શરૂ થઇ હતી અને શૈલેષે પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી હતી, લગ્ન કરવાના છે તેવી વાતો કરી શૈલેષ હોટેલમાં લઇ ગયો હતો અને યુવતીની મરજી વિરૂધ્ધ તેની સાથે શરીરસંબંધ બાંધ્યા હતા અને તેનો વીડિયો ઉતારી લીધો હતો. યુવતી લગ્નની વાત કરતી તો શૈલેષ તે વાત ઉડાવી દેતો હતો.
થોડા દિવસો બાદ યુવતીને તેની કોમન ફ્રેન્ડ મારફત જાણવા મળ્યું હતું કે, પ્રેમી શૈલેષ શરીરસંબંધનો વીડિયો અન્ય લોકોને પણ બતાવી રહ્યો છે, આ બાબતની જાણ થતાં યુવતી તે વીડિયો ડિલિટ કરવા કરગરતી હતી પરંતુ શૈલેષે તેને માધ્યમ બનાવી યુવતીને તે વીડિયો જાહેર કરવાની ધમકી આપી અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું. શૈલેષ જુદી-જુદી હોટેલોમાં બોલાવી યુવતીનું શારીરિક શોષણ કરતો હતો. અંતે યુવતીએ પોલીસનું શરણું લીધું હતું. પોલીસે શૈલેષ સોંદરવા સામે દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.