ગત 9 માર્ચે, 2025ના રોજ ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ અને તેમના પુત્ર ગણેશ(માતા ધારાસભ્ય) પર રાજકુમાર જાટ નામના યુવકને માર મારવાનો તેના પિતા રતનલાલ જાટે આક્ષેપો કર્યા હતા. માર માર્યા બાદ રાજકુમાર જાટનો રાજકોટ અમદાવાદ હાઇવે પર તરઘડિયા નજીક ઓવરબ્રિજ પર મૃતદેહ મળી આવ્યો હતો. આ કેસમાં હવે નવો વળાંક આવ્યો છે. રાજકોટની જ્યુશિયલ મેજિસ્ટ્રેટ ઓફ ધ ફર્સ્ટ ક્લાસ કોર્ટે ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ કરવાની મંજૂરી આપી છે.
આ પહેલાં પોલીસ તપાસમાં મહાસાગર ટ્રાવેલ્સના બસચાલક દ્વારા કરવામાં આવેલા અકસ્માતમાં રાજકુમાર જાટનું મોત થયું હોવાનો ખુલાસો કર્યો હતો. જેથી પોલીસે રમેશ મેર નામના બસચાલકની અટકાયત કરી બસને કબજે લીધી હતી.
ઉલ્લેખનીય છે કે, ઓક્ટોબરમાં હાઇકોર્ટે આ કેસની તપાસ સુરેન્દ્રનગરના SP પ્રેમસુખ ડેલુ અને Dysp જે.ડી.પુરોહિતને સોંપી હતી. તપાસનો પ્રથમ પ્રોગ્રેસ રિપોર્ટ 10 ડિસેમ્બરે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ મૂકશે.
9 માર્ચે રાજકુમાર જાટના મૃતદેહની ઓળખ થયા બાદ 14 માર્ચે તેનું મોત ટ્રાવેલ્સની અડફેટે આવવાથી થયું હોવાનો રાજકોટ પોલીસે ખુલાસો કર્યો હતો. તે સમયે રાજકોટ DCP ક્રાઈમ પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, યુવાનનું આઈડેન્ટિફિકેશન તારીખ 9ના થયું હતું. આઇડેન્ટિફિકેશન થયા બાદ ફરિયાદીની ફરિયાદ લઈને ફેટલ એક્સિડન્ટનો ગુનો સૌપ્રથમ દાખલ કરવામાં આવ્યો હતો. ફેટલ એક્સિડન્ટનો ગુનો અનડિટેક્ટ હોવાથી અલગ અલગ ટીમોની રચના કરવામાં આવી હતી.
આ બનાવ ખૂબ જ ચર્ચાસ્પદ થયેલો હોવાથી પોલીસ કમિશનર બ્રિજેશકુમાર ઝા અને અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા દ્વારા અલગ અલગ ટીમો બનાવવાની સૂચના આપવામાં આવી હતી. જેના આધારે SOG, કુવાડવા રોડ પોલીસ મથક, LCB, ઝોન-1 એમ અલગ અલગ ટીમો બનાવીને વિવિધ સ્થળોએ સતત ચકાસણી કરવામાં આવી હતી. ત્યારબાદ સિનિયર અધિકારીઓ કે જેમાં પોલીસ કમિશનર, અધિક પોલીસ કમિશનર, ઝોન-1 અને અમારા દ્વારા સ્થળની વિઝીટ કરવામાં આવી હતી. જે વિઝીટ કરીને કયા સમયગાળા દરમિયાન આ બનાવ બની શક્યો હોય તે જોવામાં આવ્યું હતું.