સિગારેટ-પાન મસાલા જેવા ઉત્પાદનો પર સરકાર હવે વધારાનો ટેક્સ લગાવશે. વધારાના ટેક્સમાંથી આવતા પૈસાનો રાષ્ટ્રીય સુરક્ષા માટે ઉપયોગ કરવામાં આવશે. આ માહિતી શુક્રવારે લોકસભામાં નાણા મંત્રી નિર્મલા સીતારમણે આપી.
શુક્રવારે લોકસભામાં હેલ્થ સિક્યોરિટીથી નેશનલ સિક્યોરિટી સેસ બિલ પસાર થઈ ગયું. આ બિલ પસાર થયા પછી પાન મસાલા જેવી વસ્તુઓ મોંઘી થઈ જશે.
નાણા મંત્રીએ બિલ રજૂ કરતા કહ્યું કે સેસ કોઈ પણ આવશ્યક વસ્તુ પર નહીં, પરંતુ સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડતી હાનિકારક વસ્તુઓ પર લગાવવામાં આવશે. તેમણે કહ્યું કે બિલનો ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે સામાન્ય નાગરિકો પર બોજ નાખ્યા વિના રાષ્ટ્રની સુરક્ષા માટે જરૂરી વસ્તુઓ માટે ભંડોળ મળે.
નાણા મંત્રીએ કહ્યું કે આ બિલથી મળેલા મહેસૂલને વિશિષ્ટ સ્વાસ્થ્ય યોજનાઓ માટે રાજ્યો સાથે વહેંચવામાં આવશે. તેમણે કહ્યું કે 40 ટકા GST ઉપરાંત પાન મસાલા યુનિટ્સ પર સ્વાસ્થ્ય અને રાષ્ટ્રીય સુરક્ષા ઉપકર પણ લગાવવામાં આવશે.