લાંબા પેન્ડિંગ કેસો અને પ્રી-લીટીગેશન મામલાઓનો એક જ દિવસમાં સમાધાનથી નિકાલ

રાજકોટ જિલ્લામાં આગામી 13 ડિસેમ્બર, શનિવારના રોજ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેગા લોક અદાલત રાજકોટ જિલ્લાની તમામ અદાલતોમાં યોજાશે, જેમાં લાંબા સમયથી પેન્ડિંગ રહેલા કેસો તેમજ કોર્ટમાં દાખલ થાય તે પહેલાંના (પ્રી-લીટીગેશન) કેસોનો સમાધાન દ્વારા નિકાલ કરવામાં આવશે. આ લોક અદાલતમાં મુખ્યત્વે ચેક રીટર્ન, બેન્ક લેણાં, અકસ્માત વળતર, ફેમિલી મામલાઓ સહિત અનેક પ્રકારના કેસો હાથ ધરવામાં આવશે. મુખ્ય જિલ્લા ન્યાયાધીશ જે. આર. શાહે જાહેર જનતાને આ રાષ્ટ્રીય લોક અદાલતનો વધુમાં વધુ લાભ લેવા માટે અપીલ કરી છે.

લોક અદાલતનો સૌથી મોટો ફાયદો એ છે કે, તેના દ્વારા સમાધાનથી કેસનો નિકાલ થતો હોવાથી તેમાં કોઈની જીત કે પરાજય થતો નથી અને પક્ષકારો માટે અપીલનો જંજાળ પણ ટળી જાય છે. રાજકોટ જિલ્લા કોર્ટના સેક્રેટરી હરેશ જોટાણીયાએ માહિતી આપી હતી કે જે પક્ષકારો પોતાના કેસ લોક અદાલતમાં મૂકાવવા ઈચ્છતા હોય, તેઓ પોતાના વકીલ અથવા સંબંધિત કોર્ટનો સંપર્ક કરીને જરૂરી કાર્યવાહી કરી શકે છે. લોક અદાલતમાં કેસ આવવાથી કોઈનો વિજય કે પરાજય થતો નથી. બંને ઘરે દિવા પ્રગટે છે. અત્યાર સુધી 30 હજારથી વધુ રજિસ્ટ્રેશન થઈ ચૂક્યા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *