રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કટારીયા ચોકડી ખાતે શહેરના સૌપ્રથમ થ્રીલેયર આઇકોનીક ઓવરબ્રિજ અને અન્ડરબ્રિજની કામગીરી ચાલી રહી છે. જેને લઈને હાલ વાહનવ્યવહારને લગતા તમામ મુખ્ય માર્ગો બંધ કરવામાં આવ્યા છે. શહેરના વિકાસલક્ષી પ્રોજેક્ટ અંતર્ગત આ બ્રિજનું બાંધકામ હાથ ધરવામાં આવ્યું છે, જેને પગલે જાહેર જનતાની સુવિધા અને ટ્રાફિકની જાળવણી માટે તાત્કાલિક અસરથી ટ્રાફિક ડાઈવર્ઝન રૂટ પણ અમલમાં મૂકવામાં આવ્યો છે. મહાનગરપાલિકાએ વાહનચાલકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા અને સહકાર આપવા માટે ખાસ અનુરોધ કર્યો છે.
બ્રિજના બાંધકામની કામગીરી શરૂ થવાથી કટારીયા ચોકડીનું મુખ્ય કેન્દ્રબિંદુ ટ્રાફિક માટે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યું છે. જેના કારણે અહીંના મુખ્ય માર્ગોની અવરજવર સંપૂર્ણપણે બંધ કરવામાં આવી છે. ગોંડલ રોડ તરફથી જામનગર રોડ તરફ જતો રીંગ રોડ તેમજ જામનગર રોડ તરફથી ગોંડલ રોડ તરફ આવતો રીંગ રોડ એમ બંને દિશાઓનો માર્ગ બંધ કરવામાં આવ્યો છે. આ રિંગ રોડ રાજકોટ શહેરના પૂર્વીય અને પશ્ચિમી છેડાને જોડતો મુખ્ય ધમની સમાન હોવાથી આ ડાયવર્ઝન ઘણું મહત્ત્વનું બની રહે છે.