રાજકોટના રૈયાધાર વિસ્તારમાં આવેલા કોમ્પ્લેક્સમાં એડવોકેટની ઓફિસ આવેલી છે, તેમની બાજુમાં ઓફિસ ધરાવતાં શખ્સને ઓફિસમાં દારૂ પીવાની ના કહેતા તે શખ્સે ઉશ્કેરાઇને એડવોકેટને ખૂનની ધમકી આપી હતી અને ઓફિસ બહાર લગાવેલા સીસીટીવી કેમેરામાં તોડફોડ કરી હતી.
નગર પીપળિયામાં રહેતા અને રૈયાધારમાં આવેલા સવનસિગ્નેટ કોમ્પ્લેક્સમાં ઓફિસ ધરાવતાં એડવોકેટ પ્રદીપભાઇ પ્રેમજીભાઇ વાઘેલા (ઉ.વ.42)એ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે એજ કોમ્પ્લેક્સમાં બાજુમાં ઓફિસ ધરાવતાં સોમનાથ સોસાયટીમાં રહેતા રાજ હસમુખ વાસજાળિયા અને તેની સાથેના એક અજાણ્યા શખ્સનું નામ આપ્યું હતું.
પ્રદીપભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, રાજ વાસજાળિયા તેના મિત્રોને બોલાવી અગાઉ નશાની પ્રવૃત્તિ કરતા હોય અને એ કોમ્પ્લેક્સમાં ટ્યૂશન ક્લાસીસ હોવાથી ત્યાં બાળકોની અવરજવર હોવાથી બે મહિના પહેલાં રાજના પિતાને ફોન કરી આવી પ્રવૃત્તિ નહીં કરવાનું કહ્યું હતું જેની જાણ થતાં રાજે તે સમયે પ્રદીપભાઇ સાથે બોલાચાલી કરી હતી અને ખૂનની ધમકી આપી હતી. ત્યારબાદ ગત તા.28 નવેમ્બરના રાત્રિના વકીલની ઓફિસના બોર્ડ પર લગાવેલા સીસીટીવી કેમેરામાં તોડફોડ કરતાં પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.