રાજકોટમાં 12 કલાકમાં સાત લોકોના મૃત્યુ થયા હતા. જેમાં 5 લોકોના હૃદય ધબકારા ચૂકી ગયાનું ખુલ્યું હતું. અન્ય બેને ગંભીર બીમારીમાં સપડાયા બાદ બેભાન થઇ જતાં તબીબે જોઈ તપાસી નિષ્પ્રાણ જાહેર કર્યા છે. બનાવની પ્રાપ્ત વિગત મુજબ, કોઠારિયા રોડ વિવેકાનંદનગર-14માં રહેતાં પ્રતાપભાઇ ધીરૂભાઇ રાઠોડ(ઉં.વ.52) નામના પ્રૌઢ સવારે પોતાના ઘર નજીક આવેલા શ્રી મેલડી માતાજીના મંદિરે દર્શન કરવા ગયા ત્યારે મંદિરે જ ઢળી પડતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, પરંતુ અહીં તબીબે મૃત જાહેર કરતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. મૃતક પ્રતાપભાઈ ગોંડલ રોડ પર ફેબ્રિકેશનનું કારખાનું ધરાવતાં હતાં.
દર્શન કરતી વખતે જ હૃદય થંભી જતાં મોત નીપજ્યું હતું. બીજા બનાવમાં કોઠારિયા સોલવન્ટ શીતળાધાર 25 વારિયામાં રહેતાં મહેશભાઇ ખીમજીભાઇ પરમાર(ઉ.વ.40) સવારે ઘરે બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતા, પરંતુ અહીં તબીબે મૃત જાહેર કર્યા હતા. મૃતકને સંતાનમાં એક દીકરી અને બે દીકરા છે.
ત્રીજા બનાવમાં લાલપરી મફતિયાપરા-2માં રહેતાં જગદીશભાઇ છગનભાઇ ચાવડા(ઉ.વ.34) સવારે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, પરંતુ અહીં મૃત્યુ થયું હતું. પેટમાં પાણી ભરાઇ જવાની બીમારીથી બેભાન થયા બાદ મોત નીપજ્યું હતું.
ચોથા બનાવમાં ભગવતીપરા અયોધ્યા સોસાયટી-3માં રહેતાં વિનોદભાઈ મનજીભાઈ ધરણિયા(ઉ.વ.42) રાતે ઘરે બેભાન થઈ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં, પરંતુ અહીં મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. તેમને હૃદયની બીમારી હોઈ એકાએક હૃદયમાં દુખાવો ઉપડતાં મોત નીપજ્યું હતું.
પાંચમાં બનાવમાં150 ફૂટ રિંગ રોડ ગોવર્ધન ચોક નંદનવન-1માં રહેતાં ધર્મેન્દ્રભાઈ મોહનભાઇ મારસોણિયા(ઉ.વ.59) સવારે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, પરંતુ અહીં તબીબે નિષ્પ્રાણ જાહેર કર્યા હતા. લિવરની બીમારી હોઈ એકાએક હૃદયમાં દુખાવો ઉપડી જતાં મોત નીપજ્યું હતું.
છઠ્ઠા બનાવમાં મવડી વિનાયકનગર-4માં રહેતાં નટુભાઇ રામજીભાઇ રંગપરા(ઉં.વ.45) સાંજે ઘરે બેભાન થઈ જતાં સિવિલમાં ખસેડાયા હતા, પરંતુ તેમનું મૃત્યુ થયું હતું. અચાનક હૃદય ધબકતું બંધ થઇ જતાં મૃતકના સ્વજનોએ હાર્ટએટેકથી મૃત્યુ થયું હોવાનું જણાવ્યું હતું.
સાતમા બનાવમાં શાપર-વેરાવળમાં શાંતિધામ ખાતે રહેતા હરદેવસિંહ કિરીટસિંહ ઝાલા(ઉં.વ.70)ને બીમારી સબબ સિવિલ હોસ્પિટલમાં તા.25મીના દાખલ કરાયા હતાં. તેમનું સારવારમાં મૃત્યુ થયું છે.આ સાતેય બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે ભક્તિનગર પોલીસ, આજી ડેમ અને તાલુકા પોલીસ, બી-ડિવિઝન, માલવિયાનગર પોલીસ તેમજ શાપર પોલીસને જાણ કરી હતી. પોલીસે જરૂરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
તાપમાન 10 ડિગ્રીથી નીચું થાય ત્યારે ખૂબ સાચવવું, હાલ નિયમિત તપાસ કરાવવી ‘હૃદયરોગને લઈને યુવાનોમાં જાગૃતિ આવી છે પણ આ જાગૃતિ દરેક ઉંમરમાં આવે તે જરૂરી છે. 40થી વધુના લોકોએ નિયમિત તપાસ કરાવવી જોઈએ અને કોલેસ્ટ્રોલ પર ખાસ ધ્યાન રાખવું જોઈએ. શિયાળો આવે ત્યારે પણ વાસોવેગલ શોક એટલે કે ઠંડી લાગી જવાથી હૃદય બંધ પડી જાય છે. આ બાબતે હાલ તો જરૂર નથી લાગતી પણ જ્યારે સિંગલ ડિજિટ એટલે કે 10 ડિગ્રી સેલ્શિયસ કરતાં ઓછું ન્યૂનતમ તાપમાન થાય ત્યારે ખૂબ ધ્યાન આપવું જોઈએ. વહેલી સવારે એટલે કે 4-5 વાગ્યે વોકિંગ કરવા કે પછી અન્ય કોઇ કારણસર બહાર નીકળવાનું થાય ત્યારે ગરમ કપડાં પૂરતા પહેરવા જ જોઈએ.’ – ડો. ધર્મેશ સોલંકી, કાર્ડિયોલોજિસ્ટ, એક્સપર્ટ