રાજકોટ-જામનગર હાઇવે પર બનેલા સાંઢીયા પુલની જગ્યાએ રૂ. 74.32 કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલા ફોરલેન બ્રિજના બાકી કામમાં વિલંબ થયો છે. હાલમાં બ્રીજની 70 ટકા કામગીરી પુરી થઈ છે. છતાં વિલંબનું મુખ્ય કારણ રેલવે વિભાગની મંજૂરી ન મળવી છે. પુલની કામગીરી ધીમી પડતાં, ખાસ કરીને હાલમાં હાઇવેનો ટ્રાફિક શહેરના અન્ય વિસ્તારોમાંથી પસાર થઈ રહ્યો છે, જેના કારણે ભારે ટ્રાફિકજામ અને અસુવિધા સર્જાઈ રહી છે. જે નિયત સમયમર્યાદા કરતા બે મહિના વધુ લંબાય તેવી શક્યતા છે. અગાઉ જાન્યુઆરીનાં અંત સુધીમાં કામ પૂર્ણ કરવાની ખાતરી સ્ટે. ચેરમેને આપી હતી. જોકે હવે કામ માર્ચનાં અંત સુધી ચાલે તેવી પુરી શક્યતા છે.
પ્રાપ્ત વિગત મુજબ, મોરબી દુર્ઘટના બાદ અસલામત જાહેર કરાયેલા અને પાંચ દાયકા જૂના ટુ-લેન સાંઢીયા પુલને તોડીને નવો ફોરલેન બ્રિજ બનાવવાની કામગીરી ચેતન કન્સ્ટ્રકશન કંપનીને ગત તા. 14-3-2024ના રોજ સોંપવામાં આવી હતી. પુલની કામગીરી પૂર્ણ કરવાની મૂળ સમયમર્યાદા માર્ચ 2026 નક્કી કરાઈ હતી. જોકે જાન્યુઆરીનાં અંત સુધીમાં કામ પૂરું કરવાની ખાતરી અગાઉ સ્ટે. ચેરમેન જયમીન ઠાકરે આપી હતી. પરંતુ રેલવેની મંજૂરી નહીં મળતા કામગીરી ધીમી પડી છે.