રાજકોટના ભક્તિનગર રેલવે સ્ટેશન પર પાર્કિંગ સ્ટાફ મનમાની અને દાદાગીરી કરતો હોવાના આરોપ સાથેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે માત્ર 2 થી 5 મિનિટ માટે પરિવારજનોને સ્ટેશન ઉપર મૂકવા આવેલા નાગરિકનું વાહન સાંકળ વડે લોક કરી દેવામાં આવ્યું હતું. ભોગ બનનાર નાગરિકે આ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવીને વાયરલ કર્યો છે. અને પાર્કિંગ સ્ટાફ સામે પગલાં લેવાની માંગ કરી છે. જોકે રેલવે તંત્ર દ્વારા પાર્કિંગ સ્ટાફ દ્વારા કરવામાં આવતી કામગીરી નિયમ અનુસાર હોવાનું જણાવી તમામ આરોપો ફગાવાયા છે.
વાહનને લોક મારી દેવાતા નાગરિક અને પાર્કિંગ સ્ટાફ વચ્ચે બોલચાલી વાયરલ વીડિયોમાં દેખાતા દ્રશ્યો અનુસાર, એક વ્યક્તિ પોતાની બાઇક અને સાથે ઊભેલા એક્ટિવાને પાર્કિંગ સ્ટાફ દ્વારા લોક મારવામાં આવતા ભારે હેરાનગતિનો સામનો કરી રહ્યો છે. આ નાગરિકનો આક્ષેપ છે કે તેઓ માત્ર થોડીક મિનિટો માટે તેમના સંબંધીને સ્ટેશન પર મૂકવા આવ્યા હતા અને તેમની ગેરહાજરીમાં વાહનને લોક મારી દેવામાં આવ્યું છે. વીડિયોમાં નાગરિક અને પાર્કિંગ સ્ટાફ વચ્ચે આ મુદ્દે ઉગ્ર બોલાચાલી પણ થઈ રહી છે, જ્યાં નાગરિક સ્પષ્ટપણે જણાવી રહ્યો છે કે તેણે પાર્કિંગનો દંડ પણ ભરી દીધો છે, છતાં સ્ટાફ તેને વાહન ક્યાં છે તે અંગે યોગ્ય માહિતી આપી રહ્યો નથી.
નાગરિકે વીડિયોમાં જણાવ્યું કે તે છેલ્લા 10 મિનિટથી હેરાન થઈ રહ્યો છે. પાર્કિંગ સ્ટાફના એક વ્યક્તિએ તેને પહેલાં પાર્કિંગની બીજી કોઈ જગ્યા બતાવી, જેના કારણે તે બધી જગ્યાએ ફરી વળ્યો પરંતુ તેને વાહન મળ્યું નહોતું. આખરે, જ્યારે તે આ જગ્યાએ પાછો આવ્યો, ત્યારે તેના વાહનને જ લોક મારેલું જોવા મળ્યું હતું. નાગરિકનો આક્ષેપ છે કે પાર્કિંગ સ્ટાફ પોતાની જવાબદારી યોગ્ય રીતે નિભાવી રહ્યો નથી અને દંડ લીધા પછી પણ ગાડી ક્યાં મૂકી છે તેની જાણકારી આપવામાં બેદરકારી દાખવી રહ્યો છે.
જ્યારે નાગરિક સ્ટાફને પૂછે છે કે તેણે દંડ ભરી દીધો છે, તો પણ તેને શા માટે હેરાન કરવામાં આવે છે અને ગાડી ક્યાં મૂકી છે તે કેમ યાદ નથી, ત્યારે સ્ટાફનો બીજો એક વ્યક્તિ એમ કહેતો સંભળાય છે કે તે જગ્યા ‘નો પાર્કિંગ’ ઝોન છે. જોકે, નાગરિકે દલીલ કરી કે ‘નો પાર્કિંગ’ની જાણ હોવા છતાં તેણે દંડ ભરી દીધો છે અને તે ભણેલો હોવાની વાત પણ સ્વીકારે છે, પરંતુ સ્ટાફે દંડ લીધા બાદ તેની ગાડીને તાત્કાલિક મુક્ત કરવી જોઈએ.