શહેરના કાલાવડ રોડ પર અવધના ઢાળ નજીકના વિસ્તારમાં આવાસના ક્વાર્ટર્સમાં રહેતી એક તરુણી તેના ઘર નજીક રસ્તા પર રડી રહી છે તેવો કોલ આવતા 181ના કાઉન્સેલર શીતલબેન સરવૈયા, કોન્સ્ટેબલ હર્ષાબેન અને પાઇલટ જયકિશનભાઇ સ્થળ પર દોડી ગયા હતા. બાળકીએ રડતાં રડતાં કહ્યું હતું કે, પોતે ધોરણ 11માં અભ્યાસ કરે છે, પરંતુ પરિવારની આર્થિક સ્થિતિ સારી નહીં હોવાથી પિતાએ અભ્યાસ છોડાવી દીધો છે. હાલમાં પોતે ખાાનગી સ્કૂલમાં અભ્યાસ કરે છે અને પાઇલટ બનવા ઇચ્છે છે. તરુણીની વાત સાંભળી 181ની ટીમે પહેલા સાંત્વના આપી હતી અને તરુણીના ઘરે જઇ પિતા પુત્રીને સાથે બેસાડ્યા હતા.
કાઉન્સેલર શીતલબેન સહિતના સ્ટાફ સમક્ષ તરુણીના પિતાએ આપવીતી વર્ણવતા કહ્યું હતું કે, તેમને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે, જેમાં આ તરુણી પ્રથમ સંતાન છે, પોતે મજૂરી કરે છે અને ભાડાના મકાનમાં રહે છે, ખાનગી સ્કૂલના ખર્ચ પોસાતા નથી, ઘર ચલાવવું મુશ્કેલ છે અને પુત્રી ખાનગી સ્કૂલમાં જ અભ્યાસ કરવા ઇચ્છે છે, તેની આ ઇચ્છા પૂરી કરવા પોતે આર્થિક સક્ષમ નહીં હોવાથી પુત્રીનો અભ્યાસ છોડાવી દીધો છે.
કાઉન્સેલર સરવૈયા સહિતના સ્ટાફે વર્તમાન અને આગામી સમયમાં અભ્યાસનું શું મહત્ત્વ છે તે સમજાવ્યું હતું, પિતાએ ધોરણ 11 સુધી ખાનગી સ્કૂલમાં અભ્યાસ કરાવ્યો, સ્થિતિ સારી નથી તો સરકારી સ્કૂલમાં પણ અભ્યાસ કરીને કારકિર્દી બનાવી શકાય, અનેક સરકારી સ્કૂલ છે જેમાં સારું શિક્ષણ આપવામાં આવે છે, તેમજ વિદ્યાર્થીઓ માટે સરકારની વિવિધ યોજનાની માહિતી આપતાં તરુણીએ સરકારી સ્કૂલમાં અભ્યાસ કરવાની તૈયારી બતાવી પોતાનું સ્વપ્ન સાકાર કરશે તેવો હુંકાર કર્યો હતો, તો પિતાએ પણ પુત્રી સરકારી સ્કૂલમાં અભ્યાસ કરે તો પોતે તેનો અભ્યાસ અટકાવશે નહીં તેવી ખાતરી આપી હતી.
પિતાએ કહ્યું, ‘હું નથી ઇચ્છતો સંતાનો હેરાન થાય, હું વધુ મહેનત કરીશ’ 181ની ટીમે અભ્યાસનું મહત્ત્વ અને સરકારી યોજનાઓ સમજાવતા તરુણીના પિતાએ પુત્રીને આગળ અભ્યાસ માટે મંજૂરી આપતા કહ્યું હતું કે, હું નથી ઇચ્છતો કે મારા સંતાનો મારી જેમ હેરાન થાય, વધુ કમાણી માટે હું વધુ મહેનત કરીશ, સરકારી સ્કૂલમાં પુત્રી અભ્યાસ કરે, સરકારી યોજનાનો લાભ મેળવવાનો પ્રયાસ કરશે અને પુત્રી પોતાનું સ્વપ્ન પૂરું કરે તેવી ઇચ્છા વ્યક્ત કરી હતી.