માનતા પૂરી કરવા માતાજીના માંડવામાં 6 બોકડાની બલિ ચડાવાઇ, 9ને બચાવાયા

વિજ્ઞાન અને ટેક્નોલોજીના યુગમાં આજે પણ અંધશ્રદ્ધાએ કેડો મુક્યો નથી. માંદો રહેતો બાળક સાજો થઇ જાય તો 15 બોકડા ચડાવવાની ચૌહાણ પરિવારે માનતા રાખી હતી અને રવિવારે રાત્રે માતાજીના માંડવામાં 6 બોકડાની બલિ ચડાવી દેવામાં આવી હતી, પરંતુ જીવદયાપ્રેમીઓ અને પોલીસે દરોડો પાડી 9 જીવ બચાવી લીધા હતા.

યુનિવર્સિટી રોડ પરના સોનલ એપાર્ટમેન્ટમાં રહેતા ટૂર એન્ડ ટ્રાવેલ્સના સંચાલક કેતનભાઇ રમેશભાઇ સંઘવી (ઉ.વ.38)એ થોરાળા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે રાહુલ ચૌહાણ, અરવિંદ ચૌહાણ અને પ્રતાપ ચૌહાણના નામ આપ્યા હતા. કેતનભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, રવિવારે રાત્રે 11 વાગ્યે પોતે ઘરે હતા ત્યારે તેમને જાણવા મળ્યું હતું કે, પીટીસી ગ્રાઉન્ડની દીવાલ પાસે માતાજીનો માંડવો ચાલી રહ્યો છે અને ત્યાં બોકડાની બલિ ચડાવવાની છે. માહિતી મળતાં જ કેતનભાઇ સ્થળ નજીક તપાસ કરવા ગયા હતા, ત્યાં માંડવો ચાલુ હોવાથી તેમણે પોતાના જીવરક્ષા ફાઉન્ડેશન ટ્રસ્ટના અન્ય કાર્યકરોને આજી ડેમ ચોકડી પાસે બોલાવ્યા હતા અને ફોન કરતાં પોલીસ પણ પહોંચી હતી.

ત્યારબાદ તમામ જીવદયાપ્રેમીઓ અને પોલીસ માતાજીનો માંડવો ચાલતો હતો ત્યાં પહોંચ્યા હતા અને માંડવાની પાછળના ભાગે તપાસ કરી તો ત્યાં છ બોકડાની બલિ ચડાવીને માથાં કાપીને રાખેલા હતા અને ત્યાં ધારદાર છરીઓ પણ પડી હતી, અન્ય 9 બોકડા બલિ માટે બાંધીને રખાયા હતા તેમને મુક્ત કરી પાંજરાપોળ હવાલે કરી તેનો જીવ બચાવી લેવાયો હતો. ચૌહાણ પરિવારનો એક બાળક માંદો રહેતો હતો અને તે સાજો થઇ જાય તો 15 પશુની બલિ ચડાવવાની માનતા રાખી હતી. બાળક સાજો થતાં બલિ ચડવવા માંડવો રાખ્યો હતો. પોલીસે ત્રણેય આરોપીની શોધોખોળ શરૂ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *