ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડમાં 9 ચૂંટાયેલા સભ્યો અને અધિકારીઓ તેમજ 2 ધારાસભ્ય સહિત 17 સભ્યો હોય છે ત્યારે તેમાં રાજકોટના શિક્ષણવિદ અને પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા ડૉ. નિદત બારોટ ચૂંટાઈ આવ્યા છે. તેમણે આગામી બોર્ડની પરીક્ષામાં વારંવાર ચોરીની ફરિયાદ અને સ્થાનિક કક્ષાએ થતી ચોરી રોકવાની વાત કરી તો વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાં AI અને ડ્રોન ટેકનોલોજી તેમજ રોજગારી અપાવતા કોર્સ શરૂ કરવા માટેનું સૂચન કર્યુ છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા અને શિક્ષણવિદ ડૉ. નિદત બારોટે જણાવ્યુ હતુ કે, ગુજરાતનું એકમાત્ર બોર્ડ એટલે શિક્ષણ બોર્ડ કે જેમાં ચૂંટાયેલા સભ્યો વહીવટ સંભાળતા હોય છે. હાલમાં 9 જેટલા ચૂંટાયેલા સભ્યો અને ધારાસભ્યો તેમજ સરકાર નિયુક્ત સભ્યો સાથે જુદી-જુદી સમિતિઓ મારફત ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ કાર્ય કરતું હોય છે. જેમાં મહત્વની કારોબારી, પરીક્ષા અને અભ્યાસ સમિતિ સહિતની સમિતિઓ કાર્યરત છે.
જેમાં પરીક્ષા સમિતિનું મુખ્ય કાર્ય વિદ્યાર્થીઓની પારદર્શક રીતે પરીક્ષા લેવાય, વાલીઓને વિદ્યાર્થીઓની પરીક્ષા પદ્ધતિ ઉપર વિશ્વાસ બેસે, કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય અને સારી રીતે પરીક્ષા લેવાય તે પ્રકારનું વ્યવસ્થા તંત્ર પરીક્ષા સમિતિ સંભાળતી હોય છે. જ્યારે અભ્યાસ સમિતિમાં કોઈ અભ્યાસક્રમમાં ફેરફાર કરવાની વાત હોય, કોઈ તજજ્ઞનો અભિપ્રાય લેવાનો હોય ઉપરાંત કોઈ જરૂરિયાત મુજબનો અભ્યાસક્રમ ઉમેરવાની વાત હોય તો તેની ચર્ચા થતી હોય છે. આગામી સમયમાં ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ વધુ પારદર્શક અને સારી રીતે લોકોનો વિશ્વાસ કેળવી શકે તે રીતે વહીવટ ચલાવવાનો રહેશે.