રાજકોટમાં સરકારી જમીન ઉપર વધુ એક દબાણ સામે આવ્યું છે. જેમાં શહેરના કુવાડવા હાઈવે પર સરકારી ખરાબાની જગ્યા ઉપર ગૌશાળા શરૂ થઈ ગયાનું સામે આવ્યું છે. સોનાની લગડી જેવી કરોડો રૂપિયાની સરકારી જગ્યા પર શ્રી સિધ્ધાર્થ ગૌશાળા અને વિધાતા ગૌ શાળા શરૂ કરી દેવાઈ છે ત્યારે આ સમગ્ર મામલાને લઈને જિલ્લા કલેકટર દ્વારા પ્રાંત અધિકારીને તપાસ સોંપવામાં આવી છે. જે તપાસ પૂર્ણ થયા બાદ સામે આવશે કે કેટલી કિંમતની કેટલી જગ્યા ઉપર દબાણ કરવામાં આવ્યું છે અને કેટલા સમયથી અહીં સરકારી ખરાબા પર દબાણ છે? જોકે, સરકારી જમીન પચાવી પાડવાનો મોટો કારસો ખૂલ્લો પડ્યો છે.
રાજકોટ શહેર પ્રાંત – 2 અધિકારી મહેક જૈને દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે, કુવાડવા હાઈ-વે પર સરકારી ખરાબાની જમીન પર ગેરકાયદેસર દબાણ સ્વરૂપે બે ગૌશાળા તૈયાર થઈ ગઈ હોવાનું જાણવા મળતા જિલ્લા કલેકટરના હુકમથી તપાસ શરૂ કરવામાં આવી છે અને કુવાડવા સર્કલ ઓફિસર હાલ આ સમગ્ર ઘટનાની તપાસ કરી રહ્યા છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.