રાજકોટમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો સતત વકરી રહ્યો છે. જેમાં પાણીજન્ય રોગો ટાઇફોઇડ અને કમળો ઉપરાંત મચ્છરજન્ય ડેંગ્યુનાં કેસોમાં પણ વધારો નોંધાયો છે. ગત સપ્તાહે ડેંગ્યુનાં 4, કમળાનાં 5 સહિત વિવિધ રોગનાં 1,704 કેસ નોંધાતા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. તેમજ મચ્છરજન્ય રોગચાળો અટકાવવા ફોગીંગ સહિતની કામગીરી શરૂ કરવામાં આવી છે. જ્યારે પાણીજન્ય રોગચાળો અટકાવવા જે વિસ્તારોમાંથી કેસ સામે આવતા હોય તેવા વિસ્તારોમાં ક્લોરીનેશનની કામગીરી કરવામાં આવી રહી છે. અને મચ્છરની ઉત્પત્તિ માટે બેદરકારી રાખનારાઓને દંડ પણ ફટકારવામાં આવી રહ્યો છે.
પ્રાપ્ત વિગત મુજબ છેલ્લા સપ્તાહમાં મનપા સંચાલિત આરોગ્ય કેન્દ્રોમાં મોટી સંખ્યામાં દર્દીઓ ઉમટી પડ્યા હતા. અને લાંબી-લાંબી કતારો જોવા મળી હતી. અને મનપાનાં ચોપડે વિવિધ રોગોનાં 1,704 કેસ નોંધાયા હતા. જેમાં શરદી- ઉધરસનાં 807 કેસ, ઝાડા-ઉલટીનાં 169 જેટલા કેસ, સામાન્ય તાવનાં 717 કેસ નોંધાયા હતા. અને જોખમી કમળાનાં પણ વધુ 5 કેસ નોંધાયા હતા. મચ્છરજન્ય રોગચાળામાં ડેંગ્યુનાં 4 કેસ, સામે આવ્યા હતા. જોકે આંકડાઓ માત્ર સરકારી આરોગ્ય કેન્દ્રોનાં છે. ત્યારે નાના-મોટા ખાનગી ક્લિનિકો ધ્યાનમાં લઈ તો દર્દીનો કુલ આંકડો 8,000 કરતા વધુ હોવાની શક્યતા છે.