50 હજાર વિદ્યાર્થીઓની કાલથી પરીક્ષા, CCTVથી નજર રખાશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં દિવાળીની રજાઓ બાદ હવે ફરી શૈક્ષણિક પ્રવૃત્તિઓ રાબેતા મુજબ શરૂ થઇ છે. 11 નવેમ્બરને મંગળવારથી સ્નાતક કક્ષાના સેમેસ્ટર-5 અને અનુસ્નાતકના સેમેસ્ટર-3ની પરીક્ષાઓનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. કુલ 115 પરીક્ષા કેન્દ્ર પરથી 50,228 વિદ્યાર્થી આ પરીક્ષામાં ભાગ લેશે.

પરીક્ષા દરમિયાન 89 ઓબ્ઝર્વર સતત મોનિટરિંગ રાખશે, સાથે જ દરેક કેન્દ્ર પર CCTV કેમેરા દ્વારા લાઇવ દેખરેખ ગોઠવવામાં આવી છે જેથી કોઈ પણ પ્રકારની ગેરરીતિ કે ચોરીની શક્યતા ટાળી શકાય. પરીક્ષા વિભાગ મુજબ 11 નવેમ્બરથી શરૂ થતી આ પરીક્ષાઓ માટે કડક નિયમો અમલમાં રહેશે.

વિષયવાર વિદ્યાર્થીઓની સંખ્યા જોવામાં આવે તો, BA સેમેસ્ટર-5માં રેગ્યુલર 14,465 અને એક્સટર્નલ 2,160, બી.કોમ રેગ્યુલરમાં 11,980 અને એક્સટર્નલ 385, BCAમાં 6,110, BBAમાં 3,022 અને LLBમાં 2,290 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. અનુસ્નાતક સ્તરે M.Com સેમેસ્ટર-3માં રેગ્યુલર 1,675 અને એક્સટર્નલ 1,680 વિદ્યાર્થી પરીક્ષા આપવાના છે.

યુનિવર્સિટીએ કુલ 37 અલગ કોર્સના વિદ્યાર્થીઓ માટે આ પરીક્ષા આયોજન કર્યું છે. તમામ કેન્દ્રો પર સુપરવાઇઝર, CCTV મોનિટરિંગ અને સખત બંદોબસ્ત સાથે પારદર્શક પરીક્ષા પ્રક્રિયા સુનિશ્ચિત કરવામાં આવી છે. યુનિવર્સિટી અધિકારીઓના જણાવ્યા મુજબ, પરીક્ષાની પ્રક્રિયામાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ કે કોપિંગ સહન કરવામાં આવશે નહીં અને જો કોઈ વિદ્યાર્થી નિયમોનો ભંગ કરશે તો તેની સામે તાત્કાલિક પગલાં લેવાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *