શહેરના કાલાવડ રોડ આંબેડકરનગરમાં દંપતીએ એકબીજા સાથે બોલાચાલી કર્યા બાદ પાડોશી સાથે માથાકૂટ કરી હુમલો કર્યો હતો. મહિલાએ પાડોશીઓને જાનથી મારી નાખવાની ધમકી દેતા પાડોશી પરિવાર ઘર મૂકી બીજે રહેવા ગયા હોઈ પાછળથી મહિલાએ ઘરના સીસીટીવી કેમેરા તોડી પાડ્યા હતા. બનાવ અંગે તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવમાં કાલાવડ રોડ જડ્ડુસ હોટેલ નજીક આંબેડકરનગર શેરી નં.5માં રહેતા શોભનાબેન શશીકાંતભાઈ રાઠોડ (ઉં.વ.47) દ્વારા રાજકોટ તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પાડોશી દિનેશ પ્રવીણભાઈ સોલંકી, તેની પત્ની કોમલબેન દિનેશભાઈ સોલંકી અને જગદીશ પ્રવીણભાઈ સોલંકીના નામ આપ્યા હતા.
શોભનાબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા.29/10/2025ના બપોરના આશરે બે વાગ્યા આસપાસ દિનેશ અને તેની પત્ની કોમલ બંને ઝઘડો કરતા હતા. દરમિયાન શોભનાબેન પોતાના ઘરે રસોડાની બારી બંધ કરવા જતા કોમલે ‘તું શું કામ મને જોઈને કેમ બારી પછાડે છે’ તેમ કહીને ઝઘડો શરૂ કર્યો હતો. દરમિયાન કોમલ અને દિનેશ ગાળો ભાંડીને શોભાનાબેનના ઘરે દોડી આવ્યા હતા અને તેઓને ફડાકા ઝીંકી દીધા હતા.
દંપતીએ ધમકી આપી કે તને ખોટા કેસમાં ફિટ કરવી દઈશું. તું ચાલીને મંદિરે જા ત્યારે ગાડી ચડાવીને જાનથી મારી નાખવી છે. બનાવ અંગે 112ને જાણ કરતાં પોલીસ બંને પક્ષોને લઈને પોલીસ મથકે પહોંચતા અહીં સમાજના આગેવાનોએ સમાધાન કરાવ્યું હતું. જોકે ત્યારબાદ પણ આ ઝઘડો શરૂ રહ્યો હતો. શોભનાબેનના પરિવાર દ્વારા આ અંગે પોલીસ કમિશનરને પણ રજૂઆત કરવામાં આવી હતી.