શોભનાબેન શશીકાંતભાઇ રાઠોડ (ઉ.વ.47, રહે. આંબેડકરનગર શેરી નં.5, કાલાવડ રોડ) એ દિનેશ સોલંકી, કોમલબેન સોલંકી તથા જગદીશ સોલંકી સામે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું હતું કે, ઘરની બારી બંધ કરી રહ્યા હતા ત્યારે તું મને જોઇ કેમ બારી પછાડશ તેમ કહી કોમલબેને બોલાચાલી કરી હતી. જે બાદ મહિલા પતિ દિનેશભાઈ અને અન્ય શખ્સ જગદીશભાઇએ માર માર્યો હતો અને ઘરના કેમેરા તોડી નાખ્યા હતા. જેથી, તાલુકા પોલીસે માર મારતા શખ્સોને ઝડપી લેવા માટે તપાસ શરૂ કરી છે.
અન્ય બનાવ ભાવેશકુમાર વિનુભાઇ ખરાડી (ઉ.વ.40, હાલ અમી પાર્ક મેઇન રોડ, 150 ફુટ રીંગ રોડ, રાજકોટ. મુળ રહે- વાવોલ રોડ, ગાંધીનગર) એ આજી ડેમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ચોરીની ફરિયાદમાં અજાણ્યા શખ્સનું નામ આપ્યું છે. જેમાં જણાવ્યું છે કે,13 સપ્ટેમ્બરથી 25 ઓક્ટોબર દરમ્યાન ફરિયાદીની સરધારમાં સ્થિત પી.જી.વી.સી.એલ. કચેરી દ્વારા તેમના કાર્યક્ષેત્ર વિસ્તારમાં લગાવવામાં આવેલ અલગ-અલગ વીજ પ્રવાહ માટેના ટ્રાન્સફોમરમાંથી રૂ.63,750 ની કિંમતના કોપર તથા એલ્યુમીનિયમના વાયરની ચોરી થઈ ગઈ છે. જેથી પોલીસે અજાણ્યા શખ્સને ઝડપી લેવા માટે તજવીજ શરૂ કરી છે.