ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ (ગુજકોમાસોલ) દ્વારા રાજ્ય સરકાર વતી આજથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સરકારે મગફળી માટે પ્રતિ મણ રૂપિયા 1452નો ટેકાનો ભાવ નક્કી કર્યો છે, જે હાલના બજારભાવ કરતાં મણ દીઠ લગભગ 400 વધુ હોવાથી ખેડૂતોને મોટો આર્થિક ફાયદો થઈ રહ્યો છે. આ ફાયદાને કારણે જ રાજ્યભરમાં 9 લાખ 30 હજાર ખેડૂતોએ વેચાણ માટે રેકોર્ડબ્રેક નોંધણી કરાવી છે.
જોકે, આ ખરીદીમાં એક ખેડૂત દીઠ 125 મણની મર્યાદા રાખવામાં આવતા ખેડૂતોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે, કારણ કે ગયા વર્ષે આ મર્યાદા 200 મણની હતી. ખેડૂતો માવઠાને કારણે પાકને નુકસાન થયું હોવા છતાં, આ મર્યાદા વધારીને ઓછામાં ઓછી 150 મણ કરવાની માગ કરી રહ્યા છે, જેથી તેમને બાકીનો પાક ઓછા ભાવે બજારમાં વેચવો ન પડે.
ખરીદી પ્રક્રિયામાં પારદર્શિતા જળવાય તે માટેના તમામ સરકારી ધારા ધોરણોનું પાલન કરવામાં આવી રહ્યું છે. જે ખેડૂતોને તેમના વેચાણ માટે SMS દ્વારા જાણ કરવામાં આવી છે, તે ખેડૂતો આજે નિર્ધારિત ખરીદ કેન્દ્રો પર પોતાની મગફળી લઈને પહોંચ્યા હતા. ગુણવત્તાના માપદંડો મુજબ મગફળીની ચકાસણી કરીને ખરીદી શરૂ કરવામાં આવી છે. કોઈપણ ગેરરીતિને રોકી શકાય અને ખરીદી સુચારુ રૂપે ચાલે તે માટે આ સમગ્ર પ્રક્રિયા પર નજર રાખવા દરેક ખરીદ કેન્દ્ર પર CCTV કેમેરા પણ લગાવવામાં આવ્યા છે.