તલાટી મંત્રી પર હુમલાની ઘટનામાં 5 ઝડપાયા

રાજકોટ શહેરમાં વ્યાજના વિષચક્રમાં વધુ એક પરિવાર ફસાયો છે. શહેરના વિશાલ વીરડા નામના યુવાને વિજય મકવાણા નામના યુવાન પાસેથી એક કરોડ રૂપિયા વ્યાજે લીધા હતા, જેના 10 કરોડ માંગી પઠાણી ઉઘરાણી કરવામાં આવતા અંતે તેના ત્રાસથી કંટાળી યુવાન ઘર મૂકી લાપતા થઈ ગયો છે. દરમિયાન વ્યાજખોર વિજય મકવાણા અને તેના માણસો દ્વારા યુવકને આપેલા રૂપિયાની ઉઘરાણી બાબતનો ખાર રાખી તેના ભાઈ કે જેઓ તલાટી મંત્રી તરીકે ફરજ બજાવી રહ્યા છે, તેને બેફામ માર મારવામાં આવ્યો હતો. તમેજ ભાઈને લુપ્ત કરી નાખ્યો છે અને રૂપિયા આપવા પડશે તેમ કહી નાસી છૂટ્યા હતા. જે ઘટનામાં રાજકોટ ગ્રામ્યની મેટોડા GIDC પોલીસે મુખ્ય આરોપી વિજય મકવાણા, દિલીપ રાઠોડ સહિત 5 શખસની ધરપકડ કરી લીધી છે.

રાજકોટ ગ્રામ્યના નાયબ પોલીસ અધિક્ષક કે. જી. ઝાલાએ જણાવ્યુ હતુ કે, 6 નવેમ્બરના ફરિયાદી દિલીપભાઈ આઈ ટ્વેન્ટી કાર લઈ વીરડા વાજડીના ગેટ પાસે આવતા 3 અજાણ્યા શખસે દિલીપભાઈની કારના કાચ ફોડી નાખ્યા હતાં. દિલીપભાઈને બહાર કાઢી મારતા મારતા કહ્યું હતું કે, તારા ભાઈ વિશાલે જે વિજયભાઈના પૈસા લઈ લીધા છે તે આપી દેજે. તેમ કહી તેઓને ગંભીર પ્રકારની ઈજા પહોંચાડી છે. જે ઘટના મામલે મેટોડા પોલીસ મથકમાં BNS કલમ 109 મુજબ FIR દાખલ કરવામાં આવેલી છે. જેથી આ ગુનાના આરોપી રાજકોટના વિજય નારાયણ મકવાણા અને 4 અજાણ્યા શખ્સો સામેલ હોવાથી 5 શખસની અટકાયત કરવામાં આવી છે. IG અશોકકુમાર યાદવ અને રાજકોટ ગ્રામ્ય SP વિજયકુમાર ગુર્જરની સૂચનાથી આરોપીઓની અટકાયત કરવામાં આવેલી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *