અંધાધૂંધ ફાયરિંગ મામલામાં વધુ ત્રણની ધરપકડ, બંને ગેંગના 8 ફરાર

3શહેરના મંગળા રોડ પર દસેક દિવસ પહેલા રાત્રીના બે કુખ્યાત ગેંગે સામસામે કરેલા ફાયરિંગ મામલામાં ફરાર પરિયા ગેંગના વધુ ત્રણ શખ્સને પોલીસે ઝડપી લીધા હતા, જેમાથી એક શખ્સ પાસેથી છરી મળી આવી હતી. જોકે બંને ગેંગના સૂત્રધાર સહિત આઠ શખ્સો હજુ પણ પોલીસ પક્કડથી દૂર છે.

જંગલેશ્વરના સમીર ઉર્ફે મુરગો અને પુનિતનગરના પરેશ ઉર્ફે પરિયો ગઢવીની ગેંગ વચ્ચે ચાલતી તકરારે ગત તા.28ની રાત્રીના ભયાનક સ્વરૂપ ધારણ કર્યું હતું, જંગલેશ્વરનો સમીર ઉર્ફે મુરગો મંગળા રોડ પર આવેલી હોસ્પિટલમાં દાખલ તેના નાનાની ખબર અંતર પૂછવા ગયો હતો ત્યારે પરિયા ગેંગના શખ્સો ધસી આવ્યા હતા અને મુરગા ગેંગના લોકો પર ફાયરિંગ કર્યું હતું, સામાપક્ષે મુરગા ગેંગના મળતીયાઓએ પણ વળતા ભડાકા કર્યા હતા.

આ ઘટનાએ શહેર પોલીસની આબરૂના ધજાગરા ઉડાવી દીધા હતા, પોલીસે ફરિયાદી બની બંને ગેંગના લોકોને પકડવાની કવાયત શરૂ કરી હતી, એસઓજીના પીઆઇ એસ.એમ.જાડેજા સહિતની ટીમે શુક્રવારે પરીયા ગેંગના રાજપાલસિંહ ઉર્ફે રાજો જાડેજા, દિનેશ ઉર્ફે કાંચો સંજય ટમટા અને જૂનાગઢના અલ્કાફ અબ્બાસ શેખની ધરપકડ કરી હતી.

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજપાલસિંહ જાડેજા અગાઉ પોલીસ કોન્સ્ટેબલની હત્યામાં સંડોવાઇ ચૂક્યો હતો અને હત્યાની કોશિશના બે ગુના પણ તેની સામે અગાઉ નોંધાયા હતા, તેની પાસેથી છરી મળી આવી હતી. ઘટનાને દસ દિવસ વિતી ગયા છે જોકે હજુ સુધી સમીર ઉર્ફે મુરગો સહિત બંને ગેંગના આઠથી વધુ શખ્સો ફરાર છે, પોલીસે ધરપકડ પામેલા ત્રણેયને રિમાન્ડ પર લેવાના ચક્રો ગતિમાન કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *