શહેરના ભગવતીપરામાં રહેતા શખ્સે સગીરાને પોતાની જાળમાં ફસાવી હતી અને તેને એક વર્ષમાં ત્રણ વખત ભગાડી ગયો હતો, 17 વર્ષની સગીરાના પિતાએ આ મામલે બી.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ભગવતીપરાના રોહન મહેશ લુલાડિયાનું નામ આપ્યું હતું.
ફરિયાદમાં જણાવ્યું હતું કે, સગીરાને પ્રેમજાળમાં ફસાવી રોહન લુલાડિયા જુલાઇ મહિનામાં ભગાડી ગયો હતો અને નવ દિવસ સુધી નવાગામમાં કોઇ સ્થળે રાખી હતી, દસમાં દિવસે સગીરા પરત આવી ગઇ હતી, અગાઉ પણ રોહન સગીરાને બે વખત ભગાડી ગયો હતો અને તે મામલે તેની સામે ફરિયાદ નોંધાઇ હતી.
જોકે આ વખતે રોહન અને તેના પરિવારે હવે પછી સગીરા સામે ક્યારેય જોશે નહી તેવી ખાતરી આપતા તે સમયે ફરિયાદ નોંધાવવાનું ટાળ્યું હતું, પરંતુ તાજેતરમાં ફરીથી સગીરાને પોતાની જાળમાં ફસાવવાની કોશિશ કરતાં અંતે તેની સામે ફરિયાદ નોંધાવી હતી, પોલીસે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.