કુવાડવા જીઆઇડીસી પાસે સ્કોર્પિયોની ઠોકરે બાઇક ચડી જતાં પ્રૌઢનું મોત

શહેરમાં રોડ અકસ્માતના બનાવમાં કુવાડવામાં રહેતા પ્રૌઢનું મોત નીપજ્યું છે. બાઈકસવાર પ્રૌઢ કુવાડવા ગામ પોતાના ઘરે જઇ રહ્યા હતા દરમિયાન જીઆઇડીસી પાસે પહોંચ્યા ત્યારે સ્કોર્પિયોના ચાલકે ઠોકરે લેતા દુર્ઘટના સર્જાઈ હતી.

બનાવની પ્રાપ્ત વિગત મુજબ, કુવાડવા ગામમાં મસ્જિદવાળી શેરીમાં રહેતા બાબુભાઈ કાળાભાઈ લામકા(ઉં.વ.57) નામના પ્રૌઢ બપોર પછી જૂના સાતડા માર્ગ પર આવેલી વાડીએથી બાઈક લઇ ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે કુવાડવા જીઆઇડીસીના નાળા પાસે સ્કોર્પિયોની ઠોકરે ચડી જતાં પ્રૌઢ બાઈક સહિત દૂર જઈ ફંગોળાઈ ગયા હતા. ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં 108 મારફતે બાબુભાઇને કુવાડવા આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે ખસેડ્યા હતા. અહીં તબીબે મૃત જાહેર કરતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

જોકે મૃત્યુ પામનાર બાબુભાઈ લામકાને સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે. બાબુભાઈ કુવાડવા ગામ હાઇવે પર ચા-પાનની કેબિન ચલાવતા હતા, સાથે ખેતી પણ કરતા હતા. બનાવ અંગે કુવાડવા પોલીસે સ્કોર્પિયોના ચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *