રાજકોટના 80 ફુટ રીંગ રોડ આજી વસાહત પાસે ખોડીયારનગરમાં શિવશક્તિ મંડપ સર્વિસની સામે રહેતાં રાજેશભાઈ ગોડના ઘરે ગઈ તા.04 સપ્ટેમ્બરના રોજ જુડવા દીકરી અને દીકરાનો જન્મ થયો હતો. ગઈકાલે નવજાત પુત્ર ઓમને તેમની માતાએ સ્તનપાન કરાવ્યા બાદ સુવડાવી દીધો હતો અને રાત્રીના બે વાગ્યે ફરીવાર તેમને સ્તનપાન કરાવવા માટે માતાએ તેને જગાડતા તેમના નાકમાંથી લોહી વહેવા લાગ્યું હતુ જેથી બાળકને સારવાર માટે તુરંત ઝનાના હોસ્પિટલમાં લઈ ગયા હતાં. જ્યાં તબીબોએ બાળકને જોઈ તપાસી મૃત જાહેર કર્યો હતો. તબીબોના જણાવ્યા મુજબ સ્તનપાન કરાવ્યા બાદ બાળકને ફેંફસામાં દૂધ ચડી જતાં તેમનો શ્વાસ રૂંધાઈ ગયો હતો અને જેના કારણે બાળકનું મોત થયું હતું. થોરાળા પોલીસે બાળકના મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાગળ કાર્યવાહી હાથ ધરી હતી પુત્રના મોતથી પરિવારમાં શોક છવાઈ ગયો છે.
અન્ય બનાવ ગોંડલ રોડ પર જીમી ટાવર પાસે આવેલા લોહાનગરમાં રહેતા શાંતાબેન પોપટભાઇ નાવડીયા (ઉ.વ.58) નામના પ્રૌઢા આજે સવારે ચાલીને ગોંડલ રોડ પર લીજ્જત પાપડ પાસે જતા હતા ત્યારે અજાણયા વાહન ચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. બનાવના પગલે ઘટના સ્થળે લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા જો કે અકસ્માત સર્જી વાહન ચાલક નાશી છૂટ્યો હતો. અકસ્માતના પગલે પ્રૌઢાને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજા થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ સારવાર મળે તે પહેલા જ મોત નીપવજ્યુ હતું. સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક શાંતાબેનને સંતાનમાં ત્રણ પુત્ર હોવાનુ અને પતિ હયાત ન હોવાનુ સામે આવ્યું છે. તેઓ સવારે ચા પીવા માટે ચાલીને જતા હતા ત્યારે અજાણયો વાહન ચાલક ઠોકરે ચડાવી નાશી છૂટ્યો હતો. આ અંગે પોલીસે અકસ્માત સર્જી નાશી છૂટેલા વાહન ચાલક વિરૂધ્ધ ગુનો નોંધવા અને તેને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.