રાજકોટમાં 4,30,000 હેક્ટરમાં પાકને નુકસાન

રાજકોટ જિલ્લામાં ઓક્ટોબરમાં થયેલા કમોસમી વરસાદને કારણે ખેતીના પાકોને થયેલા ભારે નુકસાન થયું હતું. જેને લઈને રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક આ નુકસાનનો સર્વે કરવાના આદેશો અપાયા હતા. રાજકોટ જિલ્લામાં સર્વેની કામગીરી મહદ્અંશે પૂર્ણ થઈ ગઈ છે. રાજકોટ જિલ્લા ખેતીવાડી અધિકારી (ઇન્ચાર્જ) પ્રદીપ મારવણિયાએ જણાવ્યું હતું કે પ્રાથમિક અંદાજ મુજબ સમગ્ર જિલ્લામાં 4,30,000 હેક્ટર વિસ્તારમાં પાકને નુકસાન થયું છે. જેમાં સૌથી વધુ નુકસાન મગફળી અને કપાસના પાકને થયું છે.

પ્રદીપ મારવણિયાએ જણાવ્યું કે, ઓક્ટોબર 2025માં થયેલા કમોસમી વરસાદને પગલે મુખ્યમંત્રી અને કૃષિ મંત્રી તરફથી સૂચના મળતાની સાથે જ જિલ્લાના તમામ તાલુકાઓમાં યુદ્ધના ધોરણે સર્વેની કામગીરી શરૂ કરાઈ હતી. આ સર્વે માટે 102 કર્મચારીઓની ટીમની રચના કરવામાં આવી હતી. આ ટીમે જિલ્લાના 600થી વધુ ગામો અને સિટી વિસ્તારને આવરી લીધા હતા. હાલમાં સર્વેની કામગીરી પૂર્ણતાના આરે છે અને ટૂંક સમયમાં જ તે પૂર્ણ થઈ જશે.

જિલ્લા ખેતીવાડી અધિકારીએ પ્રાથમિક આંકડા રજૂ કરતાં કહ્યું હતું કે, સર્વે મુજબ અંદાજિત 4,30,000 હેક્ટર વિસ્તારમાં પાકને નુકસાન થયું છે. આ નુકસાનનો આંકડો હજુ પ્રાથમિક છે. રિપોર્ટની સંપૂર્ણ ચકાસણી પછી તેમાં ફેરફાર થઈ શકે છે. પાકને થયેલા નુકસાનની વાત કરીએ તો, રાજકોટ જિલ્લામાં વાવેતરમાં મુખ્યત્વે મગફળી અને કપાસના પાકોનું પ્રમાણ વધુ હોય છે, અને આ બંને પાકને જ સૌથી વધુ અસર થઈ છે. આ સિવાય શાકભાજી અને ઘાસચારા જેવા અન્ય પાકોમાં પણ નુકસાન જોવા મળ્યું છે, જેનો સર્વે પણ ટીમ દ્વારા કરવામાં આવ્યો છે.

જોકે જિલ્લાના તમામ તાલુકામાં નુકસાની નોંધાઈ છે. કોઈ એક તાલુકો વિશેષ પ્રભાવિત છે કે કેમ તે અંગેનો રિપોર્ટ સંપૂર્ણપણે આવે પછી જ કહી શકાય, પરંતુ હાલ પૂરતું એવરેજ નુકસાની તમામ તાલુકાઓમાં જોવા મળી રહી છે. સર્વેની કામગીરી પૂરી થવા સાથે રિપોર્ટ રાજ્ય સરકારને સુપરત કરવામાં આવશે. આ રિપોર્ટના આધારે જ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ખેડૂતોને ચૂકવણાની પ્રક્રિયા અંગે સરકાર તરફથી જે સૂચનાઓ મળશે તે મુજબ આગળની કામગીરી કરવામાં આવશે. હાલમાં સર્વેની કામગીરી પૂરી કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *