મૂર્ઘા ગેંગનો સાગરીત ગેરકાયદે હથિયાર સાથે ઝડપાયો

રાજકોટ શહેરના મંગળા રોડ પરના ફાયરિંગ કેસમાં પોલીસે અત્યાર સુધી કુલ 13 આરોપીની ધરપકડ કરી છે. જ્યારે આ ઘટનામાં પોલીસે ફાયરિંગમાં વપરાયેલા બે હથિયાર તેમજ મૂર્ઘા ગેંગના સાગરીત મુજકકીર ઉર્ફે મુઝૂડાને ઝડપી પાડી મૂર્ઘાએ સાચવવા આપેલા ગેરકાયદે હથિયાર સહિત કુલ 4 હથિયાર કબજે કરી પૂછપરછ હાથ ધરી હતી. જોકે, સમીર ઉર્ફે સંજય ઉર્ફે મૂર્ઘો જુણેજા હજુ પણ પોલીસ પકડથી દૂર હોવાથી તેને ઝડપી પાડવા પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી છે.

ઉલ્લેખનીય છે કે, મૂર્ઘાનો સાગરીત હથિયાર સાથે ઝડપાતા અલગથી ફરિયાદ SOG દ્વારા દાખલ કરવામાં આવી છે. આ ઉપરાંત ફાયરિંગ તેમજ હથિયારના ગુનામાં પણ પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવશે અને નજીકના દિવસોમાં આ બંને ગેંગ ઉપરાંત અન્ય એક ગેંગ મળી 3 ગેંગ સામે ગુજસીટોક હેઠળની કાર્યવાહી પોલીસે તેજ કરી છે.

રાજકોટ શહેર ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે, 29 ઓક્ટોબરના રોજ મંગળા રોડ પર ફાયરિંગની ઘટના બાદ SOG દ્વારા બે ગેરકાયદે હથિયાર સાથે બે આરોપીની ધરપકડ કરી છે. SOGને ચોક્કસ બાતમી મળી હતી કે, પેંડા ગેંગના સાગરીતોને હથિયાર સંજયસિંહ ઉર્ફે ચિન્ટુ ઝાલા દ્વારા આપવામાં આવ્યું હતું. જેથી તેની તપાસ કરતા અન્ય એક હથિયાર મળી આવતા ફરિયાદ દાખલ કરી જેલહવાલે કર્યા બાદ પેંડા ગેંગને હથિયાર સપ્લાય કરવાના કેસમાં ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવી ફાયરિંગ કેસમાં ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *