રાજકોટ મહાનગરપાલિકાના વેસ્ટ ઝોન હેઠળના વોર્ડ નં.11માં અટકેલા વિકાસ કામોના મુદ્દે લોકરોષ ઠારવા માટે પ્રદેશ ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરાના અધ્યક્ષસ્થાને શનિવારે બેઠક બોલાવવામાં આવી હતી જેમાં ભાજપના બે મહિલા કોર્પોરેટર ગેરહાજર રહેતા શાસક પક્ષના નેતાના વોર્ડમાં ફરી રાજકીય સળવળાટ શરૂ થયો છે. આ બેઠકમાં લીલુબેન જાદવ, ભારતીબેન પાડલિયા અને રણજિતભાઇ સાગઠિયા ગેરહાજર રહ્યા હતા. જ્યારે અન્ય બન્ને કોર્પોરેટર આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.
રાજકોટ શહેરમાં ઓણસાલ તૂટેલા રસ્તાઓ અને તેના રિપેરિંગ મુદ્દે લોકો ઉપરાંત ભાજપના ચૂંટાયેલા નગરસેવકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. દરેક વોર્ડમાં લોકો દ્વારા ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિઓ પાસે જવાબ માગવામાં આવી રહ્યો છે ત્યારે રવિવારે સૌથી મોટો વોર્ડ ગણાતા વોર્ડ નં.11માં રોડ-રસ્તા અને પાઇપલાઇનના કામો મુદ્દે લોકોની સતત ઉઘરાણીથી કંટાળી ગયેલા અને મૂંઝાઇ ગયેલા કોર્પોરેટરોએ વિરોધ શરૂ કરતાં ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરા પદાધિકારીઓ સાથે વેસ્ટ ઝોનની કચેરીમાં દોડી ગયા હતા અને ભાજપના કોર્પોરેટરો અને સંગઠના હોદ્દેદારોની બેઠક બોલાવી હતી. જેમાં શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ અને ભારતીબેન પાડલિયા ગેરહાજર રહ્યા હતા.
આ બેઠકમાં ડ્રેનેજના કામો, ડીઆઇ પાઇપલાઇનના કામો, તૂટી ગયેલા રોડ-રસ્તાના કામો, નવા રોડ બનાવવા સહિતના કામો મુદ્દે કોર્પોરેટરોએ ફરિયાદો કરી હતી અને કામ ધીમી ગતિએ ચાલતું હોવાથી વિસ્તારમાં રોજ લોકો ઉઘરાણી કરતા હોવાનું અને ખાતમુહૂર્ત થયેલા પ્રોજેક્ટ અટકી પડ્યાની રજૂઆતો કરવામાં આવી હતી. જે મુદ્દે ડો.બોઘરાએ ડેપ્યુટી કમિશનર સહિતના જવાબદાર અધિકારીઓને કામો શરૂ કરાવવા સૂચના આપી હતી.