શહેરમાં વધુ એક પ્રૌઢનું માર્ગ અકસ્માતમાં મોત નીપજ્યું છે. જેમાં ફર્નિચર કામ કરતાં પ્રૌઢ તેનું સ્કૂટર લઇ ઘર તરફ જતાં હતાં ત્યારે સાધુ વાસવાણી રોડ પર અજાણ્યા ટૂવ્હિલર ચાલકે સામ-સામે વાહન ભટકાડી દેતા પ્રૌઢનું મોત થયું હતું.
બનાવની વિગત મુજબ મવડીની રાજદીપ સોસાયટીમાં રહેતાં રાજેશભાઇ નરસીભાઇ બોરીચા(ઉં.વ.50) સાંજે સાડા સાતેક વાગ્યે સ્કૂટર હંકારીને સાધુ વાસવાણી રોડ પર રાજ પેલેસ પાસેથી પસાર થઇ રહ્યા હતાં ત્યારે અજાણ્યો વાહનચાલક પ્રૌઢની ટૂવ્હિલરને ઠોકર મારી ભાગી જતાં રાજેશભાઈ રોડ પર ફેંકાઇ જતાં ગંભીર ઇજા થઇ હતી. ત્યારબાદ ઈજાગ્રસ્ત હાલતમાં 108 મારફતે પ્રૌઢને સિવિલમાં સારવાર માટે ખસેડ્યા હતાં. જ્યાં પ્રૌઢે દમ તોડી દીધો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં યુનિવર્સિટી પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતકના સગાના કહેવા મુજબ, અજાણ્યા બુલેટના ચાલક પ્રૌઢને ઠોકરે લઇ નાસી જતા આ દુર્ઘટના સર્જાઈ હતી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.