રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં શનિવાર અને સોમવારના રોજ કૃષિ જણસીઓની નોંધપાત્ર આવક થઈ હતી, જેમાં આ બે દિવસ દરમિયાન માર્કેટયાર્ડમાં 2,000થી પણ વધારે વાહનોનો ખડકલો થયો હતો. યાર્ડના વહીવટીતંત્રે આ ભારે આવકને ધ્યાનમાં રાખીને ઉત્તરાઈની પ્રક્રિયા સુચારુ રીતે ચાલે તે માટે ખાસ વ્યવસ્થા ગોઠવી હતી. રાજકોટ માર્કેટયાર્ડના ચેરમેન જયેશ બોઘરા, વાઇસ ચેરમેન તથા ડિરેક્ટરો સહિતના સ્ટાફ દ્વારા આ સમગ્ર ઉત્તરાઈની વ્યવસ્થાનું સંચાલન કરવામાં આવ્યું હતું.
આ બે દિવસોની કુલ આવક પર નજર કરીએ તો, મગફળીની કુલ આવક 41000 મણ નોંધાઈ હતી. (શનિવારે 21000 મણ અને સોમવારે 20000 મણ) મગફળીની આવક થઈ હતી. સોયાબીનની આવક પણ એટલી જ એટલે કે કુલ 41000 મણ (શનિવારે 22000 મણ અને સોમવારે 19000 મણ) રહી હતી. કપાસની કુલ આવક 34500 મણ (શનિવારે 14500 મણ અને સોમવારે 20000 મણ) નોંધાઈ હતી, જેમાં સોમવારના દિવસે કપાસની આવકમાં જંગી વધારો જોવા મળ્યો હતો.