મહારાષ્ટ્રના જલગાવની પરિણીતાએ વડોદરામાં પતિ અને સાસરીયાના ત્રાસથી કંટાળીને ગળા ફાંસો ખાઇને આપઘાત કર્યો છે. સાસરીયા પરિણીતાને દહેજ માટે ટોર્ચર કરતા હતા અને મકાન લેવા માટે 10 લાખ રૂપિયાની માંગણી કરતા હતા. જેથી કંટાળીને પરિણીતાએ અંતિમ પગલુ ભર્યું છે. આ મામલે ગોરવા પોલીસે સાસરીયા સામે દુષપ્રેરણાનો ગુનો દાખલ કરી આરોપી પતિ પ્રમોદ પાટીલની ધરપકડ કરી છે.
દીકરાની નજર સામે માતાએ ગળા ફાંસો ખાધો વર્ષ-2021માં પૂજા પાટીલ (ઉંમર.26)ના લગ્ન જલગાવના પ્રમોદ ગોપાલભાઈ પાટીલ સાથે થયા હતા. હાલ દંપતી નોકરી અર્થે વડોદરાના ગોરવા વિસ્તારમાં રહેતું હતું. આ દરમિયાન સાસરીયા પરિણીતા પાસે દહેજની સતત માંગણીઓ કરતા હતા અને ત્રાસના કારણે પૂજા પાટીલે પોતાના ઘરમાં દીકરાની હાજરીમાં ગળા ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. ઘટનાની જાણ થતાં જ ગોરવા પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને મૃતદેહને પંચનામા બાદ પોસ્ટમોર્ટમ અર્થે ગોત્રી હોસ્પિટલ ખાતેના પોસ્ટમોર્ટમ રૂમમાં ખસેડવામાં આવ્યો છે.
મૃતકના પરિવારજનોએ આક્ષેપો કર્યા છે કે, લગ્ન બાદથી જ પતિ પ્રમોદ પાટિલ અને તેના સાસરિયાં વારંવાર પૂજા પાસેથી દહેજની માંગણી કરીને તેને શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા. જેના કારણે તેમની દીકરીએ આ પગલુ ભર્યુ છે.