આજી વસાહત વિસ્તારમાં રહેતા યુવાને પોતાના જ સગાને એક્ટિવા, મોબાઇલ ફોન અને કટકે-કટકે રૂ.8 લાખની મદદ કરી હોઇ જે બાદમાં પાછી માગતાં સગાએ કહ્યું, ‘તું આ બધું ભૂલી જા, હવે ઉઘરાણી કરતો નહિ,’ કહી ગાળો દઇ પાઇપથી માર મારી તેમજ તેના ઘરમાં તોડફોડ કરી તેની ગેરહાજરીમાં તેની પત્નીની છેડતી કરી તેમજ છકડાને એક્ટિવા સાથે ભટકાડી વધુ નુકસાન કરી પરિવાર સહિત તેને પણ મારી નાખવાની ધમકી આપતાં ફરિયાદ નોંધાઈ છે.
આ બનાવમાં આજી વસાહત પાસે આંબેડકરનગરમાં રહેતા રવિ હરિભાઈ ભોજાણી(ઉં.વ.34) દ્વારા થોરાળા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે મહેશ, તેના પુત્ર મનીષ, સંજય, કેશુ, અભયના નામો આપ્યા હતા.
રવિએ ફરિયાદમાં જણાવ્યું છે કે, મદદ કરવા હોમક્રેડિટ ફાઇનાન્સમાંથી બે લાખની લોન, એપ્લિકેશનમાંથી 60 હજારની લોન, પત્નીના ઘરેણાં ગીરવે મૂકી 1.17 લાખની લોન લીધી હતી તેમજ લાખ રૂપિયા નાના ભાઈ પાસેથી હાથ ઉછીના પણ લીધા હતા. આ ઉપરાંત કમાણીની બચત અંદાજીત 1.39 લાખ આપ્યા હતાં. મહેશભાઇને કેન્સરની બીમારી હોઇ જેથી તેને એક લાખ હાથ ઉછીના આપ્યા હતા.
પરંતુ હવે જ્યારે તેને પૈસાની જરૂર ઊભી થઇ હતી ત્યારે તેણે તેના પૈસા પરત માગતાં બધાએ ભેગા મળી પૈસા પરત આપવાનો ઇનકાર કરી દીધો હતો અને કહ્યું કે, હવે તારો મોબાઇલ અને પૈસા ભૂલી જાજે. પાછા માગીશ તો મારી નાખશું તેવી ધમકી આપી હતી. જે અંગે તેણે થોરાળા પોલીસમાં અગાઉ અરજી પણ આપી હતી. જેનો ખાર રાખી તેની બાઈકમાં લોખંડના પાઇપથી તોડફોડ કરી રૂ.15 હજારનું નુકસાન કર્યું હતું. તેમજ મોબાઇલમાં પાઇપ ફટકારી ડિસ્પ્લે ભાંગી નાખી હતી.
આ ઉપરાંત તેની ગેરહાજરીમાં આ સંજય અને અભયે ઘરે આવી નશાની હાલતમાં ધોકાથી હુમલો કર્યો છે અને ઘરમાં ઘરવખરીમાં તોડફોડ કરી તેની પત્નીની પણ છેડતી કરી ગાળો દઇ આખા પરિવારને મારી નાખવાની ધમકી આપી હતી અને ત્યાંથી નાસી છૂટ્યા હતા. તેમજ જતી વખતે પોલીસને જાણ કરશો તો ગાડી માથે ચડાવી દઇશું, આખા પરિવારને મારી નાખશું. તેમ કહી ધમકી દીધી હતી.