અગાઉ રોજ 3 હજાર લોકો હવાઈ યાત્રા કરતા, હવે 46% વધીને 4600 થયા!

રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર એર કનેક્ટિવિટીમાં થયેલા નોંધપાત્ર વધારાના સીધા પરિણામ સ્વરૂપે હવાઈ યાત્રિકોની સંખ્યામાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. તાજેતરમાં રાજકોટથી દિલ્હી અને મુંબઈની નવી બે-બે ફ્લાઈટ શરૂ કરવામાં આવતાં એરપોર્ટ પરનો ધમધમાટ પુરજોશમાં વધ્યો છે. અગાઉ સરેરાશ રોજના આશરે 3 હજાર જેટલા યાત્રિકો રાજકોટ એરપોર્ટ પરથી ઉડાન ભરતી હતા, જ્યારે હાલ આ આંકડો વધીને 4,600 સુધી પહોંચી ગયો છે એટલે કે, મુસાફરોની સંખ્યામાં 46 ટકા જેટલો વધારો નોંધાયો છે.આ વધારાનો મુખ્ય કારણ તાજેતરમાં દિલ્હી અને મુંબઈ માટે નવી બે-બે ફ્લાઈટ શરૂ થવી છે.

અગાઉ આ બંને મેગાસિટી માટે મર્યાદિત ઉડાનો ઉપલબ્ધ હતી, જેના કારણે બિઝનેસ તેમજ પ્રવાસી વર્ગને મુશ્કેલી પડતી હતી. હવે દિવસના અલગ-અલગ સમયમાં વધુ વિકલ્પો મળતા યાત્રિકો માટે સુવિધા વધી છે. રાજકોટના વેપારીઓ અને ઉદ્યોગપતિઓ લાંબા સમયથી રાજધાની દિલ્હી અને આર્થિક હબ મુંબઈ સાથે વધુ કનેક્ટિવિટી માગતા હતા. એરલાઈન્સ કંપનીઓએ મુસાફરોની વધતી માંગને ધ્યાનમાં રાખી નવી ઉડાનો શરૂ કરી છે. હાલમાં રાજકોટ એરપોર્ટ પરથી દિલ્હી, મુંબઈ, અમદાવાદ, પુણે, બેંગ્લોર, હૈદરાબાદ, ચેન્નઈ અને ગોવા જેવા શહેરો માટે સીધી ફ્લાઈટ ઉપલબ્ધ છે.

રાજકોટથી દુબઈની આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ શરૂ કરવા એવિએશન મિનિસ્ટ્રીને રજૂઆત સૌરાષ્ટ્રના મહત્ત્વના ઔદ્યોગિક કેન્દ્ર રાજકોટનેw આંતરરાષ્ટ્રીય એર કનેક્ટિવિટી મળે તે માટે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. ટૂંક સમયમાં રાજકોટ-દુબઇની આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ કરવા માટે પોતે એવિએશન મંત્રાલયમાં રજૂઆત કરી હોવાનું પણ જણાવ્યું હતું. રાજકોટ અને મોરબીના ઉદ્યોગકારો માટે આંતરરાષ્ટ્રીય ટ્રાવેલિંગ ખૂબ મહત્ત્વનું હોય છે અને વિદેશથી વેપારીઓ રાજકોટ-મોરબીની સતત મુલાકાત લેતા હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *