વિંછીયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કૃષક આંદોલનને ટેકો આપવા માટે એક વિશાળ ખેડૂત સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સભા બોટાદના હળદર ગામે 28 ઓક્ટોબર, 2025 ના રોજ સાંજે 6 વાગ્યે યોજાશે.
તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મુકેશભાઈ રાજપરાએ આ માહિતી આપતા જણાવ્યું હતું કે, મોઢુકા ગામના ખેડૂતોને આ સભામાં જોડાવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું કે, આ સભાનું આયોજન ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરુના માર્ગદર્શન હેઠળ કરાયું છે.
ખેડૂતોના હક્કો અને તેમના પ્રશ્નોને મજબૂતીથી રજૂ કરવાનો આ સભાનો મુખ્ય ઉદ્દેશ છે. કોંગ્રેસ ખેડૂતોના હકો અને માંગણીઓ માટે સંઘર્ષ કરી રહી છે, જેમાં યોગ્ય ભાવ, સિંચાઈ સુવિધા, કાયદાકીય સુરક્ષા અને ખેતઉત્પાદનો પર ન્યાયસંગત નીતિઓ અમલમાં આવે તેની માંગણીઓનો સમાવેશ થાય છે.
તાલુકાની વિવિધ ગ્રામ પંચાયતોમાં કોંગ્રેસના કાર્યકરો દ્વારા ખેડૂતોને સભામાં જોડાવા માટે આમંત્રણ આપવામાં આવી રહ્યું છે. ગામડે ગામડે બેનરો, જાહેર મીટિંગો, ઘરઘર મુલાકાત અને વ્યક્તિગત સંવાદ દ્વારા ખેડૂતોને આંદોલન સાથે જોડાવા અપીલ કરવામાં આવી રહી છે.