દિવાળીનો તહેવાર નજીક આવે એટલે રાજકોટની સોનીબજારમાં ચમક વધી જતી હોય છે. આજના પુષ્ય નક્ષત્રમાં ખાસ દિવસે લોકો સોના ચાંદીની ખરીદી કરવા બજારમાં પહોંચતા હોય છે, પરંતુ આ વર્ષે સોનાનો ભાવ ઓલટાઇમ હાઈ હોવાથી રાજકોટની સોની બજરમાં ગત વર્ષ કરતા 40થી 50% ઓછી ઘરાકી જોવા મળી હતી. સામાન્ય રીતે સવારે બજારમાં દુકાન અને શોરૂમ ખુલતાની સાથે જ ખરીદીનો પ્રારંભ થઇ જતો હોય છે અને મોડી રાત સુધી ખરીદી ચાલુ રહેતી હોય છે જેની સામે આજે ધીમે ધીમે બજારમાં સોનાની ખરીદી જોવા મળી હતી. કોઈ લોકો માત્ર શુકન સાચવવા તો કોઈ લગ્નસરાની સિઝનમાં જરૂરી સોનાની ખરીદી માટે બજારમાં આવ્યા હતા.
સોનાનો ભાવ ઓલ ટાઇમ હાઈ હોવાથી ગુજરાતમાં પ્રખ્યાત રાજકોટની સોની બજારમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. આજે ગુરુ પુષ્ય નક્ષત્રનો દિવસ છે એટલે આજના દિવસે લોકો રાજકોટની સોનીબજારમાં નાની મોટી ખરીદી કરી શુકન સાચવવા પહોંચ્યા હતા. છેલ્લા પખવાડિયાથી કોઈ ગ્રાહક બજારમાં સોનાની ખરીદી માટે આવ્યા ન હતા. જેની સામે આજે ગુરુપુષ્ય નક્ષત્રમાં લોકો સોના-ચાંદીની ખરીદી કરવા પહોંચ્યા હતા. જો કે, આજે આ ખરીદી લગભગ 40થી 50% ઓછી થતી હોવાનું વેપારીઓ અનુમાન લગાવી રહ્યા છે.
લગ્નસરાની સિઝન બાકી છતાં ઘરાકી પૂરતી નહીં રાજકોટના પ્રખ્યાત રાધિકા જવેલર્સના મુકેશભાઈ સોનીએ જણાવ્યું હતું કે, હિન્દૂ સંસ્કૃતિમાં અક્ષય તૃત્યા, પુષ્ય નક્ષત્ર અને ધનતેરસ આ 3 દિવસ સોના ચાંદી ખરીદી માટે શુભ દિવસ માનવામાં આવતો હોય છે. આ ત્રણ દિવસોમાં લોકો કોઈપણ મુહૂર્ત જોયા વગર સોના ચાંદીના દાગીનાની ખરીદી કરતા હોય છે. દર વર્ષની સરખામણીએ આ વખતે પુષ્ય નક્ષત્રમાં ખરીદીનો માહોલ ખુબ ઓછો જોવા મળી રહ્યો છે. દિવાળી પછી લગ્નસરાની સિઝન શરૂ થશે આમ છતાં બજારમાં ઘરાકી પૂરતી જોવા નથી મળી રહી.