મેયર-ધારાસભ્ય એક મંચ પર બાજુબાજુમાં જોવા મળ્યાં

રાજકોટ ભાજપમાં મેયર નયનાબેન પેઢડિયા તેમજ ધારાસભ્ય દર્શીતાબેન શાહ વચ્ચે દિવાળી કાર્નિવલની આમંત્રણ પત્રિકામાં નામને લઈ વિવાદ થયો હતો. આ વિવાદ પછી આજે રેસકોર્સ ખાતે વોકાથોન કાર્યક્રમમાં મેયર અને ધારાસભ્ય બંને એક સ્ટેજ પર બાજુબાજુમાં જોવા મળ્યા હતા અને એકબીજા સાથે હસીને વાતો કરતા પણ જોવા મળ્યા હતા. જોકે દિવ્ય ભાસ્કર દ્વારા વિવાદ અંગે પૂછવામાં આવતા ધારાસભ્ય દર્શીતાબેન શાહે ચાલતી પકડી હતી, જ્યારે મેયર નયનાબેન પેઢડિયાએ કોઈપણ વિવાદ નહીં હોવાનું જણાવ્યું હતું. વિવાદના નામ પર ધારાસભ્ય દર્શીતાબેન શાહે ચાલતી પકડતા હજુ તેમના મનમાં કંઇક મનદુઃખ હોય તેવું લાગી રહ્યું છે.

પ્રાપ્ત વિગત અનુસાર, વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે આજે રેસકોર્સ રિંગ રોડ ઉપરનાં બહુમાળી ચોકમાં વોકાથોનનું આયોજન મનપા દ્વારા કરાયું હતું. જેમાં ધારાસભ્ય દર્શીતાબેન શાહ અને મેયર નયનાબેન પેઢડીયા એકસાથે એક જ સ્ટેજ ઉપર બાજુબાજુમાં બેસેલા જોવા મળ્યા હતા. તેમજ એકબીજાની સાથે વાતચીત કરતા હોય તેવા દૃશ્યો પણ સામે આવ્યા હતા. આ બંને સહિતના આગેવાનો દ્વારા વોકાથોનને ફ્લેગ ઓફ પણ આપવામાં આવ્યું હતું. જોકે વિવાદ વિશે પૂછવામાં આવતા જ ધારાસભ્ય દર્શીતાબેન શાહએ રીતસર ચાલતી પકડી હતી.

દર્શીતાબેન શાહે જણાવ્યું હતું કે, આપણા ભારતને સ્વસ્થ ભારત, ફિટ ઇન્ડિયા, વ્યસનમુક્ત અભિયાન આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનું છે. એને ચરિતાર્થ કરવા માટે થઈને વિકાસ સપ્તાહની ઉજવણીનો પાયો એટલે સ્વસ્થ ભારત, એક ભારત, શ્રેષ્ઠ ભારત, આત્મનિર્ભર ભારત, વિકસિત ભારત માટે થઈને આ વોકાથોનનું આયોજન કરવામાં આવ્યું છે. તેઓના મેયર સાથેના વિવાદ અંગે પૂછાતા તેના જવાબમાં દર્શીતાબેન શાહે ચાલતી પકડી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *