રાજકોટ જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભા

રાજકોટ જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભા પવિત્ર યાત્રાધામ એવા ઘેલા સોમનાથમાં યોજાઈ હતી. જેમાં 8થી વધુ દરખાસ્તોને બહાલી આપવામાં આવી હતી. આ સભામાં ઉપલેટા તાલુકા પંચાયત કચેરીને ડૉ. બી. આર. આંબેડકરનું નામ આપવાની દરખાસ્તને મંજુરી આપીને સરકારની મંજુરી માટે મોકલવાનું નકકી કરાયું હતું. જીલ્લા પંચાયતમાં પાન-માવા ધુમ્રપાનના સેવન તથા થૂંકવા પર પ્રતિબંધ ફરમાવતો ઠરાવ પણ કરવામાં આવ્યો હતો અને નિયમભંગ બદલ દંડની જોગવાઈ કરવામાં આવી હતી. જોકે પ્રશ્નોતરીથી બચવા ખાસ સામાન્ય સભા રાખ્યાનો આરોપ વિપક્ષ દ્વારા લગાવાયો હતો.

આજની બેઠકમાં થયેલા એક મહત્વના ઠરાવમાં, જીલ્લા પંચાયતનાં કર્મચારીનું અવસાન થાય તો સ્વભંડોળની સહાય રૂ. 50,000થી વધારીને રૂ. 1,00,000 કરવાનું નકકી કરાયું હતું. તો શહીદ થયેલા સૈનિકોના પરિવારને પણ રૂ. 1,00,000માંથી રૂ. 2,00,000 સ્વભંડોળમાંથી ચૂકવવા ઠરાવ કરાયો હતો. આ ઉપરાંત કેન્દ્ર સરકારે જીએસટી હેઠળ આપેલી વિવિધ રાહતો તથા સ્વદેશી ચળવળ અને વિકાસ સપ્તાહ અંગે અભિનંદન આપતા ઠરાવ પસાર કરાયા હતા.

વિપક્ષ નેતા મનસુખ સાકરિયાએ ઘેલા સોમનાથમાં યોજાયેલી જીલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભાને લઈ શાસકો ઉપર આકરા પ્રહારો કર્યા હતા. તેઓએ આક્ષેપ કર્યો કે, પ્રજાના પ્રશ્ને અવાજ દબાવા માટે ખાસ સામાન્ય સભા રાખવામાં આવી હતી, કારણ કે તેમાં પ્રશ્નોતરી રખાતી નથી. વિપક્ષ તથા લોકોના પ્રશ્નોથી ડરીને શાસકોએ આ કૃત્ય આચર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *