રાજ્ય શિક્ષણ બોર્ડ (GSHEB) દ્વારા વિદ્યાર્થીઓને વધુ સુવિધા અને સમય બચત માટે એક મહત્ત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી છે.
હવે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને વિવિધ પ્રમાણપત્રો જેમ કે માઇગ્રેશન સર્ટિફિકેટ, પાસ સર્ટિફિકેટ, ડુપ્લિકેટ માર્કશીટ, તેમજ સમાનતા પ્રમાણપત્ર (Equivalency Certificate) વગેરે મેળવવા માટે હવે ઓફિસોમાં દોડધામ કરવાની જરૂર નહીં રહે. વિદ્યાર્થીઓ ઘેરબેઠાં જ www.gsebeservice.com પોર્ટલ દ્વારા આ તમામ પ્રમાણપત્રો માટે ઓનલાઈન અરજી કરી શકશે.
ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ બીજા રાજ્યોમાં અભ્યાસ કે નોકરી માટે જઈ રહ્યા છે અથવા જેમના દસ્તાવેજો ખોવાઈ ગયા છે તેઓ આ પોર્ટલ દ્વારા માઇગ્રેશન સર્ટિફિકેટ, ડુપ્લિકેટ માર્કશીટ/સર્ટિફિકેટ અને ITI/ડિપ્લોમા પછી સમકક્ષતા પ્રમાણપત્ર ઘેરબેઠાં મેળવી શકે છે.
GSHEB દ્વારા શરૂ કરાયેલું આ પોર્ટલ સંપૂર્ણ રીતે ડિજિટલ સિસ્ટમ પર આધારિત છે, જેમાં વિદ્યાર્થીઓએ ‘Register Now’ પર ક્લિક કરી પોતાનો રજિસ્ટ્રેશન કરાવવું પડશે. ત્યારબાદ જરૂરી દસ્તાવેજો (જેમ કે માર્કશીટ, ફોટો, ID પ્રૂફ વગેરે) અપલોડ કરીને ફી ઓનલાઈન ભરવી રહેશે.
આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પ્રમાણપત્ર વિદ્યાર્થીઓને પોસ્ટ અથવા ઈ-મેલ મારફતે પહોંચાડવામાં આવશે. બોર્ડની આ ઓનલાઈન સેવાઓમાં કોઈ મુશ્કેલી હોય તો, વિદ્યાર્થીઓ હેલ્પલાઇન નંબર 079-23252505 પર સંપર્ક કરી શકે છે.