પુષ્કરધામ મેઈન રોડ પર આવેલ કેવલમ રેસિડન્સિ આરએમસી કવાટર્સમાં રહેતા અને લાઈટ ડેકોરેશનનું કામ કરતા રાજેશ ઉર્ફે રાજ દલસુખભાઈ વાઘેલા(ઉં.વ.26) દ્વારા તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે રવિ ઉર્ફે લાલો ટોપી મહીડાનું નામ આપ્યું છે.
રાજેશે ફરિયાદમાં જણાવ્યું છે કે, તે ભીમનગર ચોકમાં વેલનાથ ચાની હોટેલ ખાતે ચા-પાણી પીવા જતો હોય જ્યાં તેની રવિ ઉર્ફે લાલો ટોપી સાથે મિત્રતા બંધાઈ હતી. ગત જન્માષ્ટમીના તહેવાર દરમિયાન અન્ય મિત્રો પાસે રવિ જુગારમાં હારી જતા તે રૂપિયા ચૂકવવાના બાકી હોય જેમાં પોતે જામીનમાં વચ્ચે પડયો હતો.
જે બાદ રવિ ઉર્ફે લાલો ટોપી મહિડાએ ફોન કરી ભીમનગર ચોકમાં બોલાવતા તે ત્યાં ગયો હતો અને મિત્ર કમલેશ પણ ત્યાં આવ્યો હતો.
આ દરમિયાન રવિ ઉર્ફે લાલો ટોપી કાળા કલરની થારમાં ત્યાં આવ્યો હતો અને ગાડીમાંથી છરી કાઢી રાજેશ પાસે આવી કહેલ કે મારે રાજ કાપડીને પૈસા આપવાના હતા જેમાં તું જામીન થયો હતો હવે તું જામીનમાંથી છૂટો છો. તેમ કહી ઉશ્કેરાયો હતો અને જેમ ફાવે તેમ ગાળો ભાંડી છરીથી હુમલો કર્યો હતો.
રવિ ઉર્ફે લાલાએ રાજેશના બંને પગના સાથળ તેમજ કમર અને ગુપ્ત ભાગે છરીના ઘા ઝીંકી દેતા લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું. ઈજાગ્રસ્ત હાલતમાં યુવકને હોસ્પિટલ ખસેડાયો હતો.