રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ કેસ

રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં ચકચારી બનેલા TRP ગેમઝોન અગ્નિકાંડ કેસમાં વધુ એક આરોપીને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી છે. જમીન માલિક અશોકસિંહ જાડેજા બાદ તેના ભાઈ કિરીટસિંહ જાડેજાએ જેલમાંથી છૂટવા કરેલી જામીન અરજી અંગે નિર્ણય કરી સુપ્રીમ કોર્ટ દ્વારા તેમને જામીન આપવા જાહેરાત કરી છે. જેથી હવે તેઓ પણ દિવાળીનો તહેવાર પરિવાર સાથે મનાવી શકાશે. આ કેસમાં અગાઉ રાજકોટ મનપાના તત્કાલીન TPO મનસુખ સાગઠીયા, તત્કાલીન CFO ઈલેશ ખેર અને જમીન માલિક અશોકસિંહ જાડેજાના સુપ્રીમ કોર્ટે જામીન મંજુર કર્યા હતા.

કિરીટસિંહ જાડેજાએ જામીન મુક્ત થવા સુપ્રીમમાં અરજી કરી હતી અગાઉના આરોપીઓની જેમ કિરીટસિંહ જાડેજાના વકીલ દ્વારા પણ સુપ્રીમ કોર્ટમાં રજુઆત કરવામાં આવી હતી કે, આ કેસમાં કુલ 365 જેટલા સાહેદો છે, જેને તપાસવામાં જાજો સમય લાગી શકે એમ છે. છેલ્લા 16 મહિનાથી આરોપી જેલમાં બંધ છે અને આ કેસમાં થોડા સમય પૂર્વે જ ટ્રાયલ શરૂ થઈ છે. તદુપરાંત આ કેસમાં સંડોવાયેલા ATPને જામીન આપવામાં આવ્યા છે તેની સાથે સાથે તત્કાલીન TPOને પણ જામીન આપવામાં આવ્યા છે અને બે માસ પૂર્વે તત્કાલીન CFO ઈલેશ ખેરને પણ જામીન મુક્ત કર્યા છે જેથી આરોપી કિરીટસિંહ જાડેજાને પણ જામીન મુક્ત કરવા જોઈએ જેને ગ્રાહ્ય રાખી સુપ્રીમ કોર્ટ દ્વારા જામીન મુક્ત કરવા આદેશ કર્યો છે.

તા.25 મે 2024ની સાંજે રાજકોટના નાના મવા રોડ પર આવેલા TRP ગેમઝોનમાં આગ લાગતાં 27 લોકોનાં મોત થયાં હતાં અને 3 જેટલા લોકોને ઇજા પહોંચી હતી, જે અંગે પોલીસે ફરિયાદી બની તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ બનાવમાં કુલ 16 આરોપી સામે ગુનો દાખલ થયો છે, જેમાં ટીઆરપી ગેમઝોનના સંચાલકો ધવલ ભરત ઠકકર (ધવલ કોર્પોરેશનના પ્રોપરાઇટર), રેસવે એન્ટરપ્રાઇઝના ભાગીદારો અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા, પ્રકાશચંદ ક્ધહેયાલાલ હીરન, યુવરાજસિંહ હરીસિંહ સોલંકી, રાહુલ લલીતભાઇ રાઠોડ, ગેમઝોન મેનેજર નીતિન મહાવીરપ્રસાદ લોઢાજૈન, રાજકોટ મહાનગરપાલિકાના તત્કાલીન TPO મનસુખ ધનજીભાઇ સાગઠિયા, આસિસ્ટન્ટ ટીપીઓ ગૌતમ જોષી, મુકેશ મકવાણા, કાલાવડ રોડ ફાયર સ્ટેશનના ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરા, ટીપી શાખાના એન્જિનિયર અને એટીપીઓ જયદીપ બાલુભાઈ ચૌધરી, રાજેશભાઇ નરશીભાઇ મકવાણા, ચીફ ફાયર ઓફિસર ઇલેશ વાલાભાઈ ખેર, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ભીખા જીવાભાઈ ઠેબા અને ગેમઝોન ખાતે ફેબ્રિકેશનનો કોન્ટ્રેકટ રાખનાર મહેશ અમૃત રાઠોડ સામે ગુનો નોંધાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *