ચર્ચાસ્પદ લૂંટ પ્રકરણમાં આવ્યો નવો વળાંક

રાજકોટ TRB જવાને પોલીસના નામે કરેલી ચર્ચાસ્પદ લૂંટ પ્રકરણમાં નવો વળાંક સામે આવ્યો છે. આરોપી દ્વારા જેમની પાસેથી થેલાની લૂંટ ચલાવવામાં આવી હતી તે ફરિયાદી સમીરભાઈ નહીં પરંતુ પૈસા મોકલનાર એકતા એન્ટરપ્રાઇઝના સંચાલક શૈલેષભાઈને ટાર્ગેટ બનાવવા માટે કાવતરું ઘડવામાં આવ્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. કમિશન એજન્ટ વિક્રમ અને શૈલેષભાઈ વચ્ચે અગાઉ પૈસાની લેતીદેતી બાબતે મનદુ:ખ થયું હતું જેનો બદલો લેવા વિક્રમે ટ્રાફિક વોર્ડનને ટીપ આપી ફીલ્ડિંગ સેટ કરી હતી. જોકે, આ મામલે વિક્રમ હજુ પોલીસ પકડથી દૂર છે જેને ઝડપી પાડવા પોલીસે તપાસ હાથ ધરી છે. બીજી તરફ આ ચકચારી લૂંટ પ્રકરણમાં ઝડપાયેલા ટ્રાફિક વોર્ડન સહિત ચારેય આરોપીઓને રિમાન્ડની માંગણી સાથે કોર્ટ સમક્ષ રજૂ કરતા કોર્ટે આરોપીઓના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

બુધવારે બપોરે થયેલ લૂંટની ઘટનામાં પોલીસે ટ્રાફિક વોર્ડન સાહબાજ ઇસ્માઈલ મોટાણી (ઉ.વ.29) વેપારી પુત્ર દાનિશ ઈબ્રાહીમભાઇ શેખ (ઉ.વ.20), અતીક દોસ્તમોહમ્મદ સુમરા (ઉ.વ.19) અને મહેશ ખોડા વાઘેલા (ઉ.વ.19)ની ધરપકડ કરી 21 લાખની રોકડ કબજે કરવામાં આવી હતી, જ્યારે બાકીના 11 લાખ રૂપિયા કારમાં પૈસા આપવા આવનાર વિક્રમ લઈ ગયાની શંકા હતી. પરંતુ ઝડપાયેલા આરોપીઓની પુછપરછ કરતા જાણવા મળ્યું કે રોકડ ભરેલ થેલામાંથી રૂ.9.60 લાખ સ્લમ ક્વાર્ટરમાં રહેતા મહેશ વાઘેલાએ પોતાના ઘરે રાખ્યાની કબૂલાત આપતાં પોલીસે તેના ઘરે દરોડો પાડી રૂપિયા કબ્જે કર્યા હતાં. જો કે હજુ બાકીના રૂપિયા 1.40 લાખ ક્યાં છે તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *