52 કે તેથી વધુ મુસાફર હશે તો ST બસ ઘરેથી લઇ જશે, દિવાળીમાં 100 બસ એકસ્ટ્રા દોડાવાશે

દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને રાજ્યભરમાં મુસાફરોની અવરજવર સરળ બને તે માટે રાજકોટ એસ.ટી. વિભાગે વધારાની બસ સેવાઓ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. તા.15 ઓક્ટોબરથી રાજકોટ વિભાગમાંથી કુલ 100 વધારાની બસોનું સંચાલન કરવામાં આવશે. તહેવારોના દિવસોમાં મોટાપાયે થતી મુસાફરીને સુગમ બનાવવાનું મુખ્ય લક્ષ્ય રાખવામાં આવ્યું છે.

આગામી દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને અને મુસાફરોને તેમના નિશ્ચિત સ્થાને સમયસર પહોંચવામાં મદદ કરવા માટે કુલ 100 એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે. જો કોઈ મુસાફરોને એકસાથે 52 કે તેથી વધુ સંખ્યામાં બસની જરૂરિયાત હોય તો તેમના માટે એડવાન્સ ગ્રૂપ બુકિંગની સુવિધા પણ ઉપલબ્ધ છે. આ સુવિધાનો લાભ લેવા માટે મુસાફરો તેમના ઉપડવાના સ્થળથી પહોંચવાના સ્થળ સુધીની બસનું બુકિંગ જે તે ડેપો કક્ષાએ કરાવી શકશે. આ માટે સ્થાનિક ડેપો મેનેજરનો સંપર્ક કરવાનો રહેશે.

દિવાળીના તહેવારો દરમિયાન મુસાફરોની વધતી અવરજવર માટે એસ.ટી. વિભાગે કરેલા આ આયોજનથી મુસાફરોને સમયસર અને સુગમ મુસાફરી મળી રહે તેવી સંભાવના છે. દિવાળીના તહેવારોમાં મુસાફરોની ભીડ વધે છે. તેને ધ્યાનમાં રાખીને વધારાની બસો મુકવામાં આવી છે. ખાસ કરીને અમદાવાદ, વડોદરા અને સુરત જેવા રૂટ પર ભારે દબાણ રહે છે, જેથી મુસાફરોને મુશ્કેલી ન પડે તે માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *