લાખાજીરાજ રોડ પર ફરી દબાણકારોનો ત્રાસ વધ્યો

રાજકોટ શહેરના લાખાજીરાજ રોડ, ધર્મેન્દ્ર રોડ, ઘી કાંટા રોડ અને સાંગણવા ચોક જેવા જૂના વેપારી વિસ્તારોમાં ફરી દબાણકારોનો ત્રાસ શરૂ થયો છે. રસ્તાઓ પર પથારા અને લારીઓ વધી જતાં વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. ગ્રાહકોના વાહનો પણ દુકાન સુધી પહોંચી શકતા નથી, જેના કારણે વેપારીઓનો ધંધો ભાંગી રહ્યો છે. આશરે બે મહિના પહેલા, વેપારીઓએ બંધનું એલાન આપ્યું હતું, જેના પગલે મહાપાલિકા દ્વારા દબાણો દૂર કરવાની ખાતરી આપવામાં આવી હતી. મેયર નયના પેઢડીયાએ પણ આ વિસ્તારોની મુલાકાત લીધી હતી અને થોડા દિવસ પોલીસ પેટ્રોલિંગ પણ કરાયું હતું. જોકે, થોડા જ સમયમાં સ્થિતિ પાછી હતી તેવી જ થઈ ગઈ છે. વેપારીઓ ફરીવાર મહાપાલિકા કમિશનરને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. તેમણે સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે. વેપારી સંગઠનોના હોદ્દેદારોનું કહેવું છે કે જો આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો દિવાળી પહેલા તેમનો ધંધો પડી ભાંગશે.

અન્ય સમાચાર રાજકોટ સિવિલ હોસ્પિટલના મેડિકલ સ્ટોર ઇન્ચાર્જ ડો. જન્મન્જય નથવાણીની દેવભૂમિ દ્વારકા ખાતે બદલી કરવામાં આવી છે. તાજેતરમાં આરોગ્ય કમિશનરે રોગી કલ્યાણ સમિતિની બેઠકમાં હાજરી આપ્યા બાદ આ બદલી થતા અનેક તર્કવિતર્કો સર્જાયા છે. મળતી માહિતી મુજબ તાજેતરમાં આરોગ્ય કમિશનરે સિવિલ હોસ્પિટલમાં રૂ. 20 કરોડની દવા ખરીદીમાં નિયમોનું પાલન ન થયું હોવાનું ધ્યાનમાં આવતા નારાજગી વ્યક્ત કરી હતી. ડો. નથવાણી મેડિકલ સ્ટોરના પણ ઇન્ચાર્જ હોવાથી આ મામલે તેમની જવાબદારી અંગે પ્રશ્નો ઉભા થયા હતા. કમિશનરે આ દવા ખરીદીના બિલોને મંજૂર ન કરવાનો આદેશ પણ આપ્યો હતો. આ ઘટના બાદ તાત્કાલિક અસરથી ડો. નથવાણીની બદલી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં થતા સિવિલ હોસ્પિટલના વર્તુળોમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. આ બદલીને દવા ખરીદીમાં કથિત ગેરરીતિ સાથે જોડવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *