લોધિકાના મોટાવડાના પ્રૌઢની તેના જ ગામમાંથી લાશ મળી આવી હતી. પ્રૌઢને તેના કૌટુંબિક ભાણેજે પીઠમાં ધોકો માર્યો હતો. પોલીસે સાપરાધ મનુષ્યવધની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી.
મોટાવડામાં રહેતા મનસુખભાઇ ઉર્ફે કાળાભાઇ ધનાભાઇ મકવાણા (ઉ.વ.60) મંગળવારે બપોરે તેના ગામમાં લખમણભાઇ સીપરિયાની કરિયાણાની દુકાન પાસે બેભાન હાલતમાં મળી આવ્યા હતા. સ્થળ પર પહોંચેલી 108ની ટીમે મનસુખભાઇને મૃત જાહેર કર્યા હતા બનાવને પગલે મેટોડા પોલીસ દોડી ગઇ હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો.
મૃતક મનસુખભાઇના પુત્ર વિશાલ મકવાણાએ આક્ષેપ કર્યો હતો કે, તેના પિતા મનસુખભાઇને કૌટુંબિક ભાણેજ સુરેશ સાથે દારૂના મુદ્દે માથાકૂટ થઇ હતી અને તેનો ખાર રાખી તેના પિતાને પીઠમાં ધોકાનો ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધા હતા. બીજીબાજુ પોસ્ટમોર્ટમના પ્રાથમિક રિપોર્ટમાં બહાર આવ્યું હતું કે, મનસુખભાઇને પીઠના ભાગે ધોકો મારવામાં આવ્યો હતો તેની ઇજા થઇ હતી પરંતુ તે ઇજા જીવલેણ નહોતી. પોલીસે મૃતક ભાઇ દિનેશભાઇની ફરિયાદ પરથી સુરેશ ઉર્ફે સુરિયો ગણેશ વડેચા સામે સાપરાધ મનુષ્યવધની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. ધોકો મારી કપાસના વાવેતર વચ્ચે છુપાયેલા સુરેશને પોલીસે ઝડપી લીધો હતો.