પૂર્વોત્તર રેલવે દ્વારા ગોરખપુર-ડોમિનગઢ વચ્ચે 4 કિમી નવી ત્રીજી લાઈન નાખવા અને ગોરખપુર-નખહા જંગલ વચ્ચે 5 કિમીના ડબલિંગ કામને કારણે બ્લોક લેવામાં આવ્યો છે. આ કામને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી પોરબંદર-મુઝફ્ફરપુર એક્સપ્રેસ ટ્રેન (નં. 19269) તેના નિર્ધારિત માર્ગને બદલે પરિવર્તિત માર્ગે દોડશે. આ ફેરફાર તારીખ 25 સપ્ટેમ્બર, 2025 ના રોજ પોરબંદરથી ઉપડતી ટ્રેન માટે લાગુ પડશે. સામાન્ય રીતે આ ટ્રેન બારાબંકી, ગોંડા, ગોરખપુર, પનિયહવા અને નરકટિયાગંજ થઈને મુઝફ્ફરપુર પહોંચે છે. પરંતુ આ બ્લોકને કારણે, હવે તે લખનૌ, સુલતાનપુર, વારાણસી, ઓંડિહાર અને છપરા થઈને મુઝફ્ફરપુર જશે. આ માર્ગ પરિવર્તનના કારણે ટ્રેન નંબર 19269 ગોંડા, ગોરખપુર, સિસવા બજાર, બગહા, નરકટિયાગંજ, બેતિયા, સાંગલી, બાપુધામ મોતિહારી અને ચકિયા જેવા સ્ટેશનો પર રોકાશે નહીં. મુસાફરોને થનારી અસુવિધા બદલ રેલવે દ્વારા ખેદ વ્યક્ત કરવામાં આવ્યો છે અને મુસાફરી પહેલા ટ્રેનનો માર્ગ અને સ્ટોપેજની વિગત ચકાસી લેવા જણાવાયું છે.
અન્ય સમાચાર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આયોજિત દીવાળી કાર્નિવલ અને ધનતેરસની ભવ્ય આતશબાજીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ રેસકોર્સના માધવરાવ સિંધિયા ક્રિકેટ મેદાનમાં તા. 18મી નવેમ્બર, શનિવારના રોજ ધનતેરસ નિમિત્તે આતશબાજીનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભવ્ય કાર્યક્રમમાં અંદાજે 25,000 લોકો ઉમટી પડશે તેવી અપેક્ષા છે. મનપાએ 18 પ્રકારના 1200થી વધુ ફટાકડા માટે ટેન્ડર બહાર પાડ્યું છે. શરત મુજબ, પસંદ થયેલી એજન્સીએ 1 કલાક સુધી અટક્યા વગર આતશબાજીનું પ્રદર્શન કરવાનું રહેશે. આતશબાજી માટે ફટાકડાની ખરીદીનું ટેન્ડર આઇટમોની યાદી સાથે પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, દીવાળી પહેલાના ત્રણ દિવસ માટે રેસકોર્સ રિંગ રોડ પર દીવાળી કાર્નિવલનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેના માટે રૂ. 1 કરોડના ખર્ચનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. આ કાર્નિવલ રોશની અને સંગીતથી સભર હશે. ચૂંટણી વર્ષ હોવાથી ભાજપ શાસકો આ વર્ષે કાર્નિવલને યાદગાર બનાવવા પ્રયાસ કરશે.