આજી બાદ હવે ભાદર-1માં એક મહિનો સૌનીનું પાણી ઠલવાશે

રાજકોટ શહેરની જીવાદોરી સમાન આજી ડેમ છલકાઈ ગયો છે. આ ઉપરાંત ન્યારી-1 ડેમમાં પણ હાલમાં જળસપાટી 70 ટકા છે. ત્યારે હવે ભાદર-1 નર્મદાનીર ઠલવાઇ રહ્યું છે. હજુ એક મહિના સુધી સૌની યોજનાનું પાણી ભાદર-1માં ઠાલવવામાં આવશે. હાલમાં દૈનિક 20 એમસીએફટી નીર ઠાલવવામાં આવી રહ્યું છે.અત્યારે 81 ટકાથી વધુ ડેમ ભરાઈ ચૂકયો છે. તેમ સિંચાઈ વિભાગના વર્તુળોએ જણાવ્યું છે.

બે માસ પહેલાં આજી ડેમ અને ન્યારી-1 ડેમમાં સૌની યોજનાનું પાણી ઠલાવાયું હતું. જેને કારણે આજી-1 ડેમની જળ સપાટીમાં સતત વધારો થયો હતો. તેમજ ઉપરવાસનો વરસાદ પડતાં તાજેતરમાં જ આજી ડેમ છલકાઈ ગયો હતો. આજી ઉપરાંત રાજકોટ માટે ન્યારી-1 ડેમ પણ જળસ્રોત માટે મહત્ત્વનો છે. તેમાં પણ સૌની યોજનાનું પાણી છોડવામાં આવ્યું હતું. આ બન્ને ડેમમાં સૌની યોજનાનું પાણી ઠલવાયા બાદ હવે ભાદર-1 ડેમમાં પાણી છોડવાનું શરૂ કરવામાં આવ્યું છે. જે છેલ્લા 20 દિવસથી ચાલુ છે. અત્યારે ભાદર-1 ડેમ 81 ટકાથી વધુ ભરાઈ ગયો છે.સિંચાઈ વિભાગના જણાવ્યાનુસાર હજુ એક મહિનો સુધી પાણી છોડવાનું ચાલુ રહેશે. અત્યારે ભાદર-1 ડેમની સપાટી 31.30 ફૂટે પહોંચી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *