પોતાને કલ્કી અવતાર ગણાવનાર રાજકોટના રમેશ ફેફરની આત્મહત્યા

રાજકોટમાં રહેતા અને પોતાને ભગવાન વિષ્ણુનો કલ્કી અવતાર ગણાવનાર રમેશચંદ્ર ફેફરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી છે. રાજકોટના યુનિવર્સિટી રોડ પર પોતાના ઘરે ગઈકાલે મોડીરાત્રે પગલું ભરી લીધું હતું, જેમાં તેમણે એકલવાયા જીવનથી કંટાળી આત્મહત્યા કર્યાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે રમેશચંદ્ર ફેફર સિંચાઈ વિભાગમાં ઈજનેર હતા. ઘરકંકાસ બાદ પત્ની અને પુત્ર લંડન રહેવા જતાં રહ્યાં હતાં. પોતે એકલા જ બંગલામાં રહેતા હતા.

રમેશચંદ્ર ફેફર ભૂતકાળમાં અનેકવાર અલગ અલગ મુદ્દે નિવેદનો કરી વિવાદમાં આવ્યા હતા. થોડા સમય પહેલાં બાબા બાગેશ્વરને ઢોંગી ગણાવ્યા હતા.

રમેશચંદ્ર હરજીભાઈ ફેફર (ઉં.વ.60) ગઈકાલે રાત્રે 2.30 વાગ્યે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે પરિવારજનોને જાણ થતાં 108માં જાણ કરી હતી અને 108ના ઇએમટીએ સ્થળ પર જ રમેશચંદ્ર ફેફરને મૃત જાહેર કરી બનાવની જાણ યુનિવર્સિટી પોલીસને કરતાં સ્થળ પર પહોંચી પોલીસે જરૂરી કાગળ કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. પરિવારજનોની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે રમેશચંદ્ર ફેફર ડેમ અને સિંચાઈ વિભાગના ઇજનેર હતા. તેમનાં પત્ની અને પુત્ર લંડન રહે છે. એકલવાયા જીવનથી કંટાળીને રમેશચંદ્રએ આ પગલું ભરી લીધું હોવાનું પોલીસે અનુમાન લગાવ્યું છે.

પોલીસની તપાસમાં એવું પણ સામે આવ્યું હતું કે રમેશચંદ્ર ફેફરની માનસિક તબિયત અંગે સારવાર ચાલુ હતી. અગાઉ તેમના ઘરકંકાસથી પત્ની અને પુત્ર તેમનાથી અલગ થઈ ગયાં હતાં ત્યાર બાદથી રમેશચંદ્ર ફેફર પોતાના બંગલામાં એકલા રહેતા હતા. પોસ્ટમોર્ટમ બાદ પોલીસે તેમના ભાણેજને મૃતદેહ સોંપ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *