કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ 22 સપ્ટેમ્બરને સોમવારે રાજકોટની મુલાકાતે આવવાના છે. તેમના આગમનને લઈ શહેર પોલીસે સુરક્ષાની સઘન વ્યવસ્થા કરી છે. ઝેડ પ્લસ સુરક્ષા ધરાવતા ગૃહમંત્રી માટે થ્રી-લેયર સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેમાં 4 DCP, 12 ACP, 20 PI, 70 PSI સહિત 1660 પોલીસ જવાનો તૈનાત રહેશે. તો હીરાસર એરપોર્ટથી લઈ રેસકોર્સ સભાસ્થળ સુધી ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવનાર છે.
અમિત શાહ રેસકોર્સ મેદાનમાં જાહેર સભા સંબોધશે પ્રાપ્ત વિગત મુજબ અમિત શાહ આવતીકાલે અંદાજે બપોરે 2 વાગ્યે હિરાસર એરપોર્ટ પર પહોંચશે. ત્યાંથી તેઓ ચૌધરી હાઈસ્કૂલ પાસે આવેલી રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંક ખાતે પ્રતિમા લોકાર્પણ કાર્યક્રમમાં ભાગ લેશે. બાદમાં રેસકોર્સ મેદાનમાં જાહેર સભાને સંબોધશે. આ સમગ્ર રૂટ પર સઘન સુરક્ષા બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. સુરક્ષા વ્યવસ્થામાં ડીસીપી જગદીશ બાંગરવા, ડીસીપી રાકેશ દેસાઈ, ડીસીપી હેતલ પટેલ અને ટ્રાફિક ડીસીપી હરપાલસિંહ જાડેજા તેમજ કુલ 12 એસીપી, 20 પીઆઈ, 70 પીએસઆઈ, 589 પોલીસ જવાન, 110 મહિલા પોલીસ, 450 હોમગાર્ડ, 405 ટીઆરબી જવાનો ફરજ બજાવશે.
રેસકોર્સમાં યોજાનાર કાર્યક્રમમાં રાજકોટ જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાંથી 40,000થી 50,000 ખેડૂતો અને પશુપાલકો ઉમટી પડવાની સંભાવના છે. આથી, ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે પણ પોલીસ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ટ્રાફિક ડીસીપી હરપાલસિંહ જાડેજાના નેતૃત્વમાં ટ્રાફિક પોલીસની ટીમ ખડેપગે રહેશે અને બહારથી આવતા વાહનો માટે ખાસ પાર્કિંગની સુવિધાનું આયોજન કરવામાં આવ્યું છે.