રાજકોટમાં ટેકાના ભાવે થયેલા રજિસ્ટ્રેશનમાં અનેક ખેડૂતોના નામ રદ થઈ જતાં હોબાળો

રાજકોટ જિલ્લામાં ખરીફ પાકોનું ટેકાના ભાવે રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. આ માટે જે ખેડૂતોનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે તેમાંથી અનેક ખેડૂતોના નામ રદ થઈ જતા હોબાળો થયો છેે. અને આ મુદ્દે ખેડૂતોમાં રોષની લાગણી પણ જોવા મળી રહી છે.આ મામલે જસદણ પંથક સહિત ઠેર-ઠેર ખેડૂતોને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.

આ અંગે જસદણમાં જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા મનસુખભાઈ સાગઠિયાએ ખેડૂતોને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, એક તો પહેલા દિવસથી જ રજિસ્ટ્રેશનમાં ટેક્નિકલ ઈસ્યૂ જોવા મળ્યા હતા. જેને કારણે ખેડૂતોને લાંબી લાઈનમાં ઊભું રહેવું પડ્યું હતું. આ સિવાય સેટેલાઇટ ઈમેજ મારફતે રજિસ્ટ્રેશન કરાવવાનું નક્કી કરવામાં આવ્યું છે, પરંતુ તેમાં પણ ટેક્નિકલ ઇસ્યૂ જોવા મળી રહ્યો છે.

હાલમાં જે રજિસ્ટ્રેશન થયા છે તેમાં ભલે પોર્ટલ પર નામ ચડી ગયા હોય, પરંતુ અનેક ખેડૂતોને રજિસ્ટ્રેશન માટેના કોઇ મેસેજ મળ્યા નથી.જ્યારે અન્ય ખેડૂતોને તેઓનું રજિસ્ટ્રેશન રદ થયાના મેસેજ મળી રહ્યા છે.

આમ ખેડૂતોને હેરાનગતિનો સામનો પહેલે દિવસથી જ કરવો પડી રહ્યો છે. જોકે હજુ ટેકાના ભાવે હજુ પાકની ખરીદી શરૂ થઇ નથી. ત્યારે કેટલી તકલીફનો સામનો કરવો પડશે તે હજુ કોઈને ખબર નથી.જો આ હેરાનગતિ યથાવત્ રહેશે તો એક પણ ખેડૂત ટેકાના ભાવે જણસી વેચવા માટે તૈયાર નહિ થાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *