ગુજરાતમાં 30 વર્ષથી રાજકીય વનવાસ ભોગવી રહેલી કોંગ્રેસને બેઠી કરવા હવે રાહુલ ગાંધી મેદાને પડ્યા છે. એના ભાગરૂપે જૂનાગઢની ભવનાથ તળેટીમાં શહેર-જિલ્લા કોંગ્રેસ-પ્રમુખની તાલીમ શિબિર ચાલી રહી છે. સ્થાનિક નેતાઓને માર્ગદર્શન આપવા માટે 12 સપ્ટેમ્બરે રાહુલ ગાંધી પણ આવ્યા હતા. તેમણે 41 શહેર અને જિલ્લા-પ્રમુખોના 4 કલાક નેતાઓના ક્લાસ લીધા હતા. હવે ફરીવાર આજે તેઓ આ શિબિરમાં ભાગ લેવા આવવાના હતા, જોકે દિલ્હીમાં હવામાન ખરાબ હોવાથી તેમની ફ્લાઇટ ટેક ઓફ થઈ શકી નહોતી. હવે તેમની આજની મુલાકાત રદ થઈ છે. તેમજ આજે શિબિરનું સમાપન કરવામાં આવ્યું હતું. જો કે રાહુલ ગાંધીએ 41 શહેર-જિલ્લાના કોંગ્રેસ પ્રમુખોને ઓનલાઈન સંબોધિત કર્યા હતા. જેમાં ગુજરાતમાંથી રાજકોટ શહેર, જામનગર અને ભાવનગરના સંગઠનની કામગીરીને ફાઇવ સ્ટાર રેટિંગ આપ્યું હતું.
રાહુલ ગાંધીએ જિલ્લા પ્રમુખોની પ્રજાના પ્રશ્નો અને વોટ ચોરીના મુદ્દા ઉઠાવવાને લઈ રિપોર્ટ કાર્ડ તૈયાર કરીને રેટિંગ આપ્યા હતા. આ રેટિંગમાં તેની કામગીરીનું એનાલિસિસ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ વિવિધ શહેર-જિલ્લા પ્રમુખોને રેટિંગ આપવામાં આવ્યા હતા.
પૂંજા વંશ એક જ દિવસ આવ્યા અને દુધાત ફરક્યા પણ નહીં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા પ્રથમ વખત કોંગ્રેસના શહેર અને જિલ્લા પ્રમુખો માટે 10 દિવસની પ્રશિક્ષણ શિબિર યોજાઈ હતી. જેમાં 10 સપ્ટેમ્બરના કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ અને વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ પ્રશિક્ષણ આપ્યું હતું. જેમાં 9 જેટલા શહેર અને જિલ્લા પ્રમુખોને અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું. જેમાં કામ ન કરતા કોંગ્રેસ પ્રમુખોને સુધરી જવા આદેશ આપ્યો હતો. જ્યારે કોંગ્રેસ પક્ષમાંથી નીકળવા માંગતા લોકો વહેલી તકે નિકળી જાય અને આ પ્રકારના લોકોને બગડેલી કેરી સાથે સરખાવ્યા હતા. આ દરમિયાન અમરેલીના પ્રમુખ પ્રતાપ દુધાત એક પણ વખત હાજર રહ્યા ન હતા, તો ગીર સોમનાથના પૂંજા વંશ એક જ વખત હાજર રહ્યા હતા. જેને લઈને વિવાદ સામે આવ્યો હતો.