માધવ કોમ્પ્લેક્સના પાર્કિંગમાં ગેરકાયદે બાંધકામ વેળાએ વિસ્ફોટ

શહેરમાં 24 કલાક વીજળી પુરવઠો આપવાના દાવા અને ગણતરીના જ કલાકોમાં વીજફોલ્ટ પૂર્વવત કરવાના બણગા વચ્ચે પીજીવીસીએલની કામગીરી પર ગંભીર સવાલો ઊભા થયા છે. કારણ કે શહેરના લક્ષ્મી સબ ડિવિઝનની નજીક જ આવેલા માધવ કોમ્પ્લેક્સમાં 14મી સપ્ટેમ્બરે રાત્રે વીજફોલ્ટ સર્જાયા બાદ છેક બે દિવસ સુધી અંધકાર છવાયેલો રહ્યો. 16મી સપ્ટેમ્બરે સાંજે આ કોમ્પ્લેક્સમાં વીજપુરવઠો શરૂ કરાયો. બે દિવસ સુધી વીજ કંપનીના એક્સપર્ટ ઈજનેરો વીજળી ન આપી શકતા અંધકાર છવાયો હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.

મળતી માહિતી મુજબ શહેરના નાનામવા રોડ પર માધવ કોમ્પ્લેક્સમાં અશ્વિન હેર પાર્લરના સંચાલક દ્વારા કોમ્પ્લેક્સના પાછળના ભાગમાં આવેલા પાર્કિંગમાં ગેરકાયદે બાંધકામ કરવામાં આવી રહ્યું હતું. આ કામગીરી દરમિયાન જ 14મીએ રાત્રે અચાનક એક બ્લાસ્ટ થયો અને આખા કોમ્પ્લેક્સમાં વીજળી ગુલ થઇ ગઈ. ત્યારબાદ 15મીએ આખો દિવસ વીજળી નહીં મળતા દુકાનદારોએ અંધકારમાં દિવસ વિતાવવો પડ્યો. બીજે દિવસે એટલે કે, 16મી સપ્ટેમ્બરે છેક સાંજે આ કોમ્પ્લેક્સમાં વીજળી આવતા સ્થાનિકોમાં હાશકારો થયો હતો, પરંતુ સૌથી ગંભીર બાબત એ છેકે, પીજીવીસીએલના સબ ડિવિઝનોમાં ટોચના ઈજનેરો હોવા છતાં કોઈ બે-બે દિવસ સુધી આ કોમ્પ્લેક્સમાં વીજળી લાવી શક્યું નહીં. આવું થવા પાછળ કારણ શું છે તે હજુ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

વીજળી જેવા પ્રાથમિક અને આવશ્યક પુરવઠા અંગે પીજીવીસીએલની ટીમોએ તુરંત પગલાં લેવાના બદલે ગંભીર બેદરકારી દર્શાવી. ટોચના ઇજનેરો ફોલ્ટ પૂર્વવત કરવામાં નિષ્ફળ રહ્યા. પરિણામે છેક 16 સપ્ટેમ્બરનાં સાંજે, એટલે કે લગભગ 48 કલાક બાદ જ વીજળી પુનઃસ્થાપિત થઈ. પીજીવીસીએલ દ્વારા શહેરને 24 કલાક અવિરત વીજપુરવઠાની ખાતરી આપવામાં આવે છે, પરંતુ હકીકતમાં નાગરિકો બે દિવસ સુધી અંધકારમાં હેરાન થતા રહ્યા. આ ઘટનાએ કંપનીના તમામ દાવાઓને ખોટા ઠેરવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *